તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ફિલિપાઇન્સના અલ્બે પ્રાંતમાં સ્થિત માયોન જ્વાળામુખી ફાટ્યો : 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર : ભયનો માહોલ
હવામાં ફેલાયેલી રાખના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો જેના પરિણામે વાહનવ્યવહાર અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ: આસપાસના વિસ્તારોમાં રાખના ઉડતા ગુબારોએ આકાશને ઘેરી લીધું

ફિલિપાઇન્સના અલ્બે પ્રાંતમાં સ્થિત માયોન જ્વાળામુખી રવિવાર, 3 મે 2026ના રોજ ફરી એકવાર સક્રિય થતા હજારો લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ભયાનક કુદરતી હોનારતને પગલે પ્રશાસને તકેદારીના ભાગરૂપે મોટા પાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરી દીધી છે. જ્વાળામુખી ફાટવો અને ભૂસ્ખલનની ગંભીર ચેતવણીઓ વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફિલિપાઇન્સનો સૌથી સક્રિય ગણાતો માયોન જ્વાળામુખી ફરી સક્રિય થતા આસપાસના વિસ્તારોમાં રાખના ઉડતા ગુબારોએ આકાશને ઘેરી લીધું છે. મનીલાના દક્ષિણ-પૂર્વમાં આવેલા અલ્બે પ્રાંતમાં આ ઘટના બની છે, જ્યાં જ્વાળામુખીની ગતિવિધિઓ વધતા તંત્ર દ્વારા એલર્ટ લેવલ વધારીને 3 કરી દેવામાં આવ્યું છે. આશરે 2,462 મીટરની ઊંચાઈ ધરાવતા આ જ્વાળામુખીમાં હાલ 'સ્ટ્રોમ્બોલિયન' વિસ્ફોટ થઈ રહ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ મધ્યમ શ્રેણીનો જ્વાળામુખીનો વિસ્ફોટ છે, જેમાં સમયાંતરે ગરમ લાવા, ઝેરી ગેસ અને જ્વાળામુખીનો કાટમાળ બહાર ફેંકાઈ રહ્યો છે. આ સ્થિતિને જોતા સ્થાનિક રહીશોને જ્વાળામુખીના 6 કિલોમીટરથી વધુ દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં અંદાજે 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. હવામાં ફેલાયેલી રાખના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે વાહનવ્યવહાર અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. અધિકારીઓ સતત લાવા પ્રવાહ અને સંભવિત ભૂસ્ખલન પર નજર રાખી રહ્યા છે, કારણ કે સ્થિતિ હજુ પણ અસ્થિર છે.
માયોન જ્વાળામુખી તેની સુંદરતા અને સંપૂર્ણ શંકુ આકાર માટે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ તેની વર્તમાન સક્રિયતાએ તેને અત્યંત જોખમી બનાવી દીધો છે. પ્રશાસન દ્વારા લોકોને માસ્ક પહેરવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જ્વાળામુખીમાંથી નીકળતા પથ્થરો અને રાખથી ખેતીલાયક જમીનને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસોમાં જો વિસ્ફોટની તીવ્રતા વધશે તો એલર્ટ લેવલમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
