<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

બનારસના MBA સ્ટુડન્ટે રસ્તા પર વેચાતા પાનને આપ્યો કોર્પોરેટ લુક: પુત્રના નિર્ણયથી પિતા ગુસ્સે ભરાયા, પણ આજના યુવાને પાન વેચીને ઊભું કર્યું ₹7 કરોડનું સામ્રાજ્ય

'મસ્ત બનારસી પાન' બ્રાન્ડની અનોખી સક્સેસ સ્ટોરી; ગંદી ગલીઓમાંથી પાનની દુકાનને હાઇટેક કાફેમાં બદલી, આજે દેશભરના 300 શહેરોમાં 400 થી વધુ આઉટલેટ્સ સાથે ધૂમ મચાવતો દેશી બિઝનેસમેન

વારાણસી (બનારસ): "ખાઇ કે પાન બનારસ વાલા..." આ ગીત તો તમે અવારનવાર સાંભળ્યું જ હશે, પરંતુ જો તમે રસ્તાની બાજુમાં ગંદી કેબિનોમાં 10 થી 20 રૂપિયામાં મળતા પાનને એક સામાન્ય વસ્તુ સમજવાની ભૂલ કરી રહ્યા છો, તો આ વાર્તા તમારી વિચારવાની રીત બદલી નાખશે. ઉત્તર પ્રદેશના બનારસમાં ભણેલા એક સામાન્ય ખેડૂત પુત્રએ પાન વેચવાની પરંપરાગત પદ્ધતિને એવી રીતે બદલી નાખી કે તે આજે આખા દેશમાં પાન વેચીને કરોડપતિ બની ગયો છે. જે વ્યવસાયને સમાજમાં ક્યારેય સન્માનની નજરે જોવામાં નહોતો આવતો, તેને ગ્લોબલ બ્રાન્ડ બનાવીને આ યુવાને બિઝનેસ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે.
અમે વાત કરી રહ્યા છીએ 'મસ્ત બનારસી પાન' (Mast Banarasi Paan) કંપનીના સ્થાપક પી.એન. ઠાકુરની. બિહારના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ઠાકુરે દેશની વિખ્યાત બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માંથી ઊંચી ફી ભરીને MBA ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ લાખો રૂપિયાની કોર્પોરેટ નોકરી કરવાને બદલે તેમણે પોતાનું કંઈક અનોખું કરવાનું નક્કી કર્યું, અને બનારસની ગલીઓમાં પાન પ્રેમીઓની ભીડ જોઈને તેમને આ ક્ષેત્રમાં એક મોટો બિઝનેસ સ્કોપ દેખાયો.
પિતાએ નકારી કાઢ્યો આઈડિયા, પત્નીના સાથથી શરૂ થયો ખેલ
જ્યારે પી.એન. ઠાકુરે ઘરમાં વાત કરી કે તેઓ લાખોની નોકરી છોડીને પાનનો ગલ્લો ખોલવા માંગે છે, ત્યારે તેમના પિતા ભારે ગુસ્સે ભરાયા હતા અને આ નિર્ણયને સદંતર નાપસંદ કર્યો હતો. જો કે, ઠાકુર પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને તેમની પત્નીએ પણ તેમને પૂરતો ટેકો આપ્યો. આખરે વર્ષ 2016 માં, માત્ર ₹2 લાખની નાની બચત સાથે તેમણે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પોતાનું પહેલું આઉટલેટ ખોલ્યું. આ કાફે-સ્ટાઈલ પાનની દુકાન એટલી હિટ રહી કે માત્ર એક જ વર્ષમાં તેમણે પોતાનું આખું રોકાણ વસૂલ કરી લીધું હતું.
પાનની દુકાનને 'હાઇટેક કાફે' બનાવ્યું, તમાકુને ટાટા-બાયબાય કહ્યું!
હવે સવાલ એ થાય કે પી.એન. ઠાકુરે એવું તે શું અલગ કર્યું કે લોકો તેમની દુકાને લાઈનો લગાવવા લાગ્યા? તેમણે સૌથી પહેલા પાન માર્કેટની મોડસ ઓપરેન્ડી બદલી નાખી. તેમણે જોયું કે દરેક નાકે પાનની દુકાન છે, પરંતુ ત્યાં સ્વચ્છતા (Hygiene) નો અભાવ છે અને ત્યાં માત્ર પુરુષો જ ઊભા રહે છે. ઠાકુરે આ રૂઢિચુસ્ત પરંપરાને તોડીને સ્ટાઇલિશ કાફે-શૈલીમાં પાનની દુકાન શરૂ કરી, જ્યાં મહિલાઓ અને પરિવારો પણ આરામથી આવી શકે.
સૌથી મોટો ફેરફાર એ કર્યો કે તેમણે પોતાના પાનમાંથી તમાકુ, ચૂનો અને હાનિકારક પદાર્થોને સંપૂર્ણપણે દૂર રાખ્યા. તેમણે પાનને હેલ્ધી અને ટેસ્ટી ડેઝર્ટ (મીઠાઈ) તરીકે રજૂ કર્યું. આજે તેમની બ્રાન્ડ આઈસ્ક્રીમ પાન, ડ્રાયફ્રૂટ પાન, ચોકલેટ પાન અને શાહી લુક આપતા સોના-ચાંદીના પાન સહિત 70 થી 80 અલગ-અલગ ફ્લેવર્સ ઓફર કરે છે.
કોઈ ફંડિંગ વિના 300 શહેરોમાં નેટવર્ક, ઝોમેટો-સ્વિગી પર ડિલિવરી:
આજના સમયમાં 'મસ્ત બનારસી પાન'નું વાર્ષિક ટર્નઓવર ₹7 કરોડને વટાવી ગયું છે. પી.એન. ઠાકુરે કોઈ બહારના રોકાણકાર (Funding) વિના, માત્ર પોતાની યોગ્ય ફ્રેન્ચાઇઝ વ્યૂહરચના અને મજબૂત આયોજનથી ભારતભરના 300 થી વધુ શહેરોમાં 400 થી વધુ પ્રીમિયમ આઉટલેટ્સ ઊભા કરી દીધા છે. એટલું જ નહીં, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટો પર પણ તેમના પાનની ભારે ડિમાન્ડ રહે છે.
પી.એન. ઠાકુરની આ અદભુત સક્સેસ સ્ટોરી સાબિત કરે છે કે જો તમારી પાસે જુસ્સો, નવીન વિચાર અને યોગ્ય મેનેજમેન્ટ હોય, તો તમે દેશના કોઈપણ અસંગઠિત અને નાના ગણાતા વ્યવસાયને પણ મલ્ટી-કરોડ બ્રાન્ડમાં ફેરવી શકો છો.

(8:26 PM IST)