તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
બંગાળમાં માંસ-માછલીના વેચાણ પર વિવાદ: ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુર્ગા પૂજા પંડાલો પાસે માંસાહાર પર પ્રતિબંધની માંગ કરતાં રાજકારણ ગરમાયું; ટીએમસી-ભાજપ સામસામે
બાગેશ્વર ધામના બાબાએ માંસાહારીઓને 'દંભી' ગણાવતા 'બંગાળી અસ્મિતા' અને આહાર પર ફરી શરૂ થઈ ગરમ ચર્ચા; ભાજપે પણ શાસ્ત્રીના નિવેદનથી અંતર જાળવ્યું

કોલકાતા, તા.૦૭: પશ્ચિમ બંગાળમાં મહાપર્વ દુર્ગા પૂજાની તૈયારીઓ વચ્ચે ખોરાકની પસંદગી અને ધાર્મિક પરંપરાઓને લઈને એક નવો મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. હાવડાના લીલુઆ ખાતે આયોજિત હનુમાન કથા દરમિયાન બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી અને કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બંગાળના હિન્દુઓને દુર્ગા મૂર્તિઓ અને પંડાલોની આસપાસ માંસાહારી ખોરાક ન વેચવા તથા નવરાત્રિના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે દુર્ગા પૂજા દરમિયાન માંસ-માછલી ખાનારાઓને 'દંભી' ગણાવતા જ આખા રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
બંગાળી સંસ્કૃતિમાં દુર્ગા પૂજા માત્ર ધાર્મિક પૂજા નથી, પરંતુ એક મોટો સામાજિક-સાંસ્કૃતિક ઉત્સવ છે, જ્યાં નવમીના દિવસે માછલી અને મટન ખાવાની વર્ષો જૂની પરંપરા રહી છે. આથી ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને ઘણા લોકોએ સ્થાનિક બંગાળી પરંપરાઓ પર દખલગીરી તરીકે જોયું છે. આ વિવાદ પર તીવ્ર પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદ સૌગત રોયે જણાવ્યું કે બહારની કોઈ વ્યક્તિ આવીને બંગાળના લોકોની જીવનશૈલી કે પૂજાના નિયમો નક્કી કરી શકે નહીં.
રસપ્રદ વાત એ છે કે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનથી અંતર જાળવતા કહ્યું કે, દુર્ગા પૂજામાં બંગાળીઓએ શું ખાવું તે કોઈ સાધુ-સંત નક્કી કરી શકે નહીં અને અષ્ટમી-નવમી પર સ્થાનિક વાનગીઓ ખાવી એ સ્થાનિક સંસ્કૃતિનો એક ભાગ છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પણ 'માછલી-ભાત' અને 'બંગાળીયત'નો મુદ્દો મુખ્ય ચૂંટણી પ્રચારનો હિસ્સો રહ્યો હતો, જ્યાં ભાજપના નેતાઓએ પોતે માછલી-ભાત ખાઈને પોતાના પર લાગેલા આહાર પ્રતિબંધના આરોપોને ફગાવવા પડ્યા હતા.
ધાર્મિક આસ્થા, સ્થાનિક ખાનપાનની પરંપરાઓ અને પ્રાદેશિક ઓળખ (બંગાળી અસ્મિતા) વચ્ચેનો આ સંઘર્ષ આવનારા દિવસોમાં દેશના રાજકારણને કઈ દિશામાં લઈ જશે?
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
