<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મક્કા પર હુથી ડ્રોન હુમલાનો ભય: 'કોઈ શંકા નથી, સંરક્ષણ સંધિ લાગુ થશે જ!', સાઉદી અરેબિયાના સમર્થનમાં પાકિસ્તાનનો મોટો દાવો

યમનના હુથી બળવાખોરો દ્વારા પવિત્ર મક્કા શહેર પાસે ડ્રોન છોડાતાં મધ્ય પૂર્વમાં ભારે તણાવ: ત્રિપક્ષીય મક્કા સમઝૌતા હેઠળ પાકિસ્તાન અને તુર્કીએ સાઉદી અરેબિયા સાથે મજબૂતીથી ઊભા રહેવાની આપી ખાતરી

ઈસ્લામાબાદ : સાઉદી અરેબિયાના પવિત્ર મક્કા શહેરના દક્ષિણ ભાગમાં યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલા ડ્રોનને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જડી પાડીને નષ્ટ કરવામાં આવ્યા બાદ સમગ્ર મધ્ય પૂર્વના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાઉદી સંરક્ષણ દળોની આ ત્વરિત કાર્યવાહી બાદ પાકિસ્તાને સ્પષ્ટ અને સણસણતું નિવેદન આપતાં જણાવ્યું છે કે સાઉદી અરેબિયાની સુરક્ષા મુદ્દે 'કોઈ શંકાને સ્થાન નથી' અને જરૂર પડશે તો તાજેતરમાં જ હસ્તાક્ષર કરાયેલો 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' (Makkah Joint Defence Agreement) પૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

 

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખવાજા આસિફે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ ત્રિપક્ષીય કરાર હેઠળ જો કોઈ એક સભ્ય દેશ (પાકિસ્તાન, સાઉદી અરેબિયા અથવા તુર્કી) પર સશસ્ત્ર હુમલો કે આક્રમણ થાય, તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, "મક્કા જેવા પવિત્ર સ્થાનની સુરક્ષા માટે અમારે કોઈ કરારની પણ જરૂર નથી, પરંતુ કરારની શરતો મુજબ પાકિસ્તાન સાઉદી અરેબિયાની પ્રાદેશિક અખંડિતતા અને સુરક્ષા માટે તેની તમામ જવાબદારીઓ નિભાવવા સંપૂર્ણ રીતે તૈયાર છે." આ સાથે જ પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે પણ પવિત્ર સ્થળ મક્કા અલ-મુકર્રમાહ તરફ ડ્રોન હુમલાના પ્રયાસને અત્યંત ઘોર અને નિંદનીય ગણાવીને સાઉદી અરેબિયા સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

 

નોંધનીય છે કે ઓગસ્ટ માસમાં જ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે આ ઐતિહાસિક મક્કા સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાઉદી પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે બે પવિત્ર મસ્જિદોની સુરક્ષા અને શ્રદ્ધાળુઓની સલામતી સાઉદી અરેબિયા માટે 'રેડ લાઈન' (લાલ રેખા) છે. જોકે, હુથી જૂથે મક્કા કે કોઈ પવિત્ર ધાર્મિક સ્થળને લક્ષ્ય બનાવવાનો ઈનકાર કર્યો છે. બીજી તરફ, લાલ સમુદ્ર અને બાબ અલ-મંદબ જલડમરૂમધ્યમાં વધી રહેલા તણાવ અને દરિયાઈ વેપાર માર્ગો પરના ભયને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ ક્ષેત્રમાં સંયમ જાળવવા અને સંઘર્ષને વધુ વ્યાપક બનતો અટકાવવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ કર્યા છે.

 

(6:29 PM IST)