તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
દેશભરના મેડિકલ ઇન્ટર્ન્સને સમાન સ્ટાઇપેન્ડનો હક : સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ટકોર
રાજસ્થાનને બે સપ્તાહની મુદત; ગુજરાતે તમામ ઇન્ટર્ન્સનું ભંડોળ મુક્ત કરવા ખાતરી આપી : સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજિયાત ઇન્ટર્નશિપ કરતા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને સ્ટાઇપેન્ડ ન ચૂકવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશન તથા સંબંધિત રાજ્યોની આકરી ઝાટકણી કાઢી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતીય કે વિદેશથી તબીબી અભ્યાસ પૂર્ણ કરનારા—બંને પ્રકારના સ્નાતક ઇન્ટર્ન્સમાં સ્ટાઇપેન્ડ બાબતે ભેદભાવ ન ચાલે. બાકી રકમ ન ચૂકવાય તો સંબંધિત રાજ્યના આરોગ્ય સચિવને કોર્ટ સમક્ષ હાજર થવું પડી શકે છે.
સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજિયાત ઇન્ટર્નશિપ કરતા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને સ્ટાઇપેન્ડ ન ચૂકવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશન તથા સંબંધિત રાજ્યોની આકરી ઝાટકણી કાઢી છે. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ એમ. પંચોલીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અને વિદેશથી અભ્યાસ પૂર્ણ કરીને આવેલા મેડિકલ ગ્રેજ્યુએટ—બંને ડૉક્ટરો છે; માત્ર વિદેશમાં અભ્યાસ કર્યો હોવાથી સ્ટાઇપેન્ડમાં અસમાનતા રાખી શકાય નહીં.
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરાઈ હતી કે કમિશન દ્વારા રજૂ કરાયેલી માહિતી અને વાસ્તવિક સ્થિતિમાં વિસંગતતા છે. ચારસો ત્રેતાલીસ મેડિકલ કોલેજોની વિગતોના વિશ્લેષણમાં આશરે અડધી કોલેજો ઇન્ટર્ન્સને સ્ટાઇપેન્ડ ચૂકવતી હોવાનું, જ્યારે અન્ય કોલેજોમાં ચુકવણી ન થતી હોવાનું જણાવાયું હતું. કોર્ટ સમક્ષ તેર અરજીઓનો ચાર્ટ પણ રજૂ કરાયો હતો, જેમાં અરજદારોને સ્ટાઇપેન્ડ ન મળ્યાની વિગતો હતી.
રાજસ્થાનમાં ઇન્ટર્ન્સ પાસેથી ભવિષ્યમાં સ્ટાઇપેન્ડનો દાવો ન કરવા કે કોર્ટનો સંપર્ક ન કરવા માટેના સોગંદનામા લેવાતા હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટએ આ વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રાજસ્થાન સરકારના વકીલે બાકી ભંડોળ અંગે બે સપ્તાહનો સમય માગ્યો હતો, જે કોર્ટએ અંતિમ તક તરીકે મંજૂર કર્યો છે.
કોર્ટએ ચેતવણી આપી છે કે નિર્ધારિત સમયમર્યાદામાં મંજૂર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં નહીં આવે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવને રૂબરૂ હાજર રહીને કારણ દર્શાવવું પડશે કે તેમની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવી.
ગુજરાત સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે તમામ ઇન્ટર્ન્સ માટેનું ભંડોળ મુક્ત કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશનને પણ અરજદારોના ચાર્ટના સંદર્ભમાં સ્થિતિ ચકાસી અંતિમ સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો છે. કોર્ટએ સંકેત આપ્યો છે કે સમગ્ર દેશના સ્નાતક મેડિકલ ઇન્ટર્ન્સના હિતને ધ્યાનમાં રાખીને વ્યાપક આદેશ આપવામાં આવશે. ચકાસાયેલ કાનૂની અહેવાલ
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
