<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

તબીબી બેદરકારી બદલ વળતરનો દાવો ડોક્ટરના મૃત્યુ પછી પણ ચાલુ રહી શકે - સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વારસદારોની વ્યક્તિગત જવાબદારી નહીં પણ ડોક્ટરની મિલકતમાંથી વળતર વસૂલી શકાશે : જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચંદુરકરની બેન્ચે વારસદારોને કેસમાં જોડવાના નિર્ણયને માન્ય રાખ્યો

 નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે મેડિકલ નેગ્લિજન્સ (તબીબી બેદરકારી) ના કેસોમાં એક અત્યંત મહત્વનો કાયદાકીય ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ડોક્ટરનું મૃત્યુ થઈ જાય તો પણ તેમની સામેનો વળતરનો દાવો તેમના કાયદેસરના વારસદારો સામે ચાલુ રાખી શકાય છે. કોર્ટે જણાવ્યું કે ડોક્ટરના મૃત્યુ બાદ વારસદારોને મળેલી ડોક્ટરની મિલકત (એસ્ટેટ) માંથી પીડિતને વળતર ચૂકવવાની જવાબદારી ઊભી થઈ શકે છે.

 શું છે સમગ્ર મામલો?

આ કેસની વિગત મુજબ, વર્ષ 1990માં એક મહિલાએ આંખના ઓપરેશન બાદ પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. આ બાબતે 1997માં તબીબી બેદરકારીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2003માં જિલ્લા ફોરમે ડોક્ટરને બેદરકાર માની 2.60 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે, આ કેસ જ્યારે નેશનલ કન્ઝ્યુમર કમિશનમાં પેન્ડિંગ હતો, ત્યારે વર્ષ 2009માં સંબંધિત ડોક્ટરનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ડોક્ટરના વારસદારોને આ કેસમાં પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા, જેની સામે વારસદારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.

 સુપ્રીમ કોર્ટનું અવલોકન

જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચંદુરકરની બેન્ચે વારસદારોની દલીલ ફગાવતા જણાવ્યું કે, ભારતીય કાયદો જૂના કોમન લો સિદ્ધાંત 'વ્યક્તિના મૃત્યુ સાથે વ્યક્તિગત કાર્યવાહીનો અંત આવે છે' તેને સંપૂર્ણપણે અનુસરતો નથી. ઇન્ડિયન સક્સેસન એક્ટ, 1925ની કલમ 306 મુજબ, જો દાવો મૃતકની મિલકત સાથે સંબંધિત હોય, તો તે કાર્યવાહી ચાલુ રહી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વારસદારો વ્યક્તિગત રીતે જવાબદાર નથી, પરંતુ તેઓ મૃતક ડોક્ટરની મિલકતનું પ્રતિનિધિત્વ કરે છે અને વારસામાં મળેલી મિલકતની મર્યાદામાં વળતર ચૂકવવા પાત્ર બની શકે છે.

 કેસ નેશનલ કમિશનને પરત સોંપાયો

સુપ્રીમ કોર્ટે વારસદારોને કેસમાં જોડવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને હવે આ મામલો ફરીથી નેશનલ કમિશનને મોકલી આપ્યો છે. હવે કમિશન નક્કી કરશે કે ખરેખર તબીબી બેદરકારી થઈ હતી કે નહીં અને જો થઈ હોય તો ડોક્ટરની મિલકતમાંથી કેટલું વળતર વસૂલ કરી શકાય તેમ છે. આ ચુકાદાથી હવે તબીબી ક્ષેત્રે બેદરકારીના કિસ્સામાં પીડિતોને ડોક્ટરના મૃત્યુ પછી પણ ન્યાય મળવાની આશા જીવંત થઈ છે.

(11:53 AM IST)