<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

નોઈડાની હાઈપ્રોફાઈલ સોસાયટીમાં 'મેડ્સ'નો મહાસંગ્રામ: "જે કામ કરવા જશે તેને પીટીશું", પગાર વધારા મુદ્દે ક્લિઓ કાઉન્ટીનો ઘેરાવ

સેક્ટર 121માં ઘરકામ કરનારી મહિલાઓના ઉગ્ર વિરોધથી તણાવ; તૂટેલા કાચ, પોલીસનો લાઠીચાર્જ અને 'પ્લાન્ડ એક્શન'ના આક્ષેપો વચ્ચે સોસાયટીના ગેટ બંધ

નોઈડા:દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર 121માં આવેલી આલીશાન 'ક્લિઓ કાઉન્ટી' સોસાયટી આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સેંકડોની સંખ્યામાં ઘરકામ કરનારી મહિલાઓએ સોસાયટીના મુખ્ય ગેટ પર હલ્લાબોલ કરીને કામકાજ ઠપ્પ કરી દીધું હતું. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રંગબેરંગી સાડીઓ પહેરેલી મહિલાઓનો મોટો સમૂહ સૂત્રોચ્ચાર કરી રહ્યો છે અને ઉગ્રતા એટલી હતી કે સોસાયટીના પ્રવેશદ્વારના કાચ પણ તૂટી ગયા હતા.
"કામ પર ગયા તો ખેર નથી": મહિલાઓની ખુલ્લી ચેતવણી
વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલાએ ન્યૂઝ રિપોર્ટર સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, "જ્યાં સુધી અમારો પગાર વધારવામાં નહીં આવે, ત્યાં સુધી અમે કામ પર પાછા નહીં ફરીએ." એટલું જ નહીં, તેણીએ એવી ચીમકી પણ આપી હતી કે જો કોઈ બીજી નોકરાણી છૂપી રીતે કામ કરવા જશે, તો તેને બહાર નીકળતી વખતે માર મારવામાં આવશે. મહિલાઓની માંગણી છે કે મોંઘવારીના જમાનામાં તેમનું વેતન વધારવામાં આવે અને અઠવાડિયામાં ચાર દિવસની રજા આપવામાં આવે.
ગેરમાર્ગે દોરતા વીડિયો અને પોલીસની સ્પષ્ટતા
સોશિયલ મીડિયા પર આ ઘટનાને ફેક્ટરી કામદારોના વિરોધ તરીકે રજૂ કરવામાં આવી રહી હતી, પરંતુ ડીસીપી શૈવ્ય ગોયલે સ્પષ્ટતા કરી છે કે આ ફેક્ટરી વર્કર્સ નહીં પણ ડોમેસ્ટિક હેલ્પર્સ (ઘરકામ કરનારા) છે. હાલમાં સોસાયટીની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે, કારણ કે પ્રદર્શનકારીઓએ સોસાયટીના આવવા-જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા.
શું આ વિરોધ 'પ્રી-પ્લાન્ડ' હતો?
આ આખા વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે શિવા મુદગીલ નામના સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો કે આ વિરોધ પ્રદર્શન અચાનક નથી થયું, પરંતુ તે 'આયોજિત કાવતરું' છે. તેમના મતે, કેટલાક લોકો પોતાની અંગત સ્વાર્થ સાધવા માટે આ ગરીબ મહિલાઓને ઉશ્કેરી રહ્યા છે અને તેમને કામ પર જતી અટકાવી રહ્યા છે.
નોઈડામાં વધતી અશાંતિ
નોંધનીય છે કે ૧૩ એપ્રિલથી નોઈડાના વિવિધ ભાગોમાં વેતન વધારાને લઈને અશાંતિનો માહોલ છે. એક તરફ ઉત્તર પ્રદેશ સરકાર વચગાળાના વેતન વધારાની જાહેરાત કરી રહી છે, તો બીજી તરફ ધરપકડો અને પોલીસ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ક્લિઓ કાઉન્ટીની આ ઘટનાએ હવે શહેરની અન્ય હાઈરાઈઝ સોસાયટીઓમાં પણ ચિંતા ફેલાવી દીધી છે.

(6:33 PM IST)