<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રૂ. ૨૪,૫૦૦ કરોડનું મેગા વિકાસ પેકેજ: મધ્યપ્રદેશ કેબિનેટે રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણકારી યોજનાઓને આપી લીલી ઝંડી, અગ્નિવીરો માટે ૨૦% અનામતની મોટી જાહેરાત

​મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પરિવહન, આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, માર્ગ મકાન, ન્યાયિક માળખું અને શ્રમ કલ્યાણ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો લેવાયા; 'સુભાગમ ટ્રાન્સપોર્ટ યોજના'ને મંજૂરી આપવા સાથે ૨૧ વર્ષ જૂની માંગ સંતોષાઈ

​ભોપાલ : મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધાઓમાં સુધારો અને જનકલ્યાણકારી યોજનાઓને નવી ઝડપ આપવાના હેતુથી રૂ. ૨૪,૫૦૦ કરોડથી વધુના વિવિધ પ્રસ્તાવ તથા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મંત્રાલય ખાતે આયોજિત કેબિનેટ બેઠકમાં આ મહત્વકાંક્ષી નિર્ણય લેવાયો હતો. કેબિનેટની આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સિંચાઈ, કાયદો અને વ્યવસ્થા, તેમજ યુવા રોજગારી સહિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા નિર્ણયોથી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થશે.

​અગ્નિવીરો માટે ૨૦ ટકા સીધું અનામત

કેબિનેટના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક નિર્ણય અંતર્ગત સેનામાંથી સેવા નિવૃત્ત થતા 'અગ્નિવીરો' માટે રાજ્યની ગણવેશધારી (યુનિફોર્મ) સેવાઓમાં ૨૦ ટકા અનામત આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પોલીસ કોન્સ્ટેબલ, સ્પેશિયલ આર્મ્ડ ફોર્સ, જેલ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને એક્સાઇઝ કોન્સ્ટેબલ જેવી મહત્વની ભરતીઓમાં માજી અગ્નિવીરોને મોટો લાભ મળશે. સરકારે આ કદમ દ્વારા દેશસેવા કરી ચૂકેલા યુવાનોને રાજ્યની નાગરિક સેવાઓમાં યોગ્ય તક આપવાનો માર્ગ મોકળો કર્યો છે.

​૨૧ વર્ષ બાદ 'સુભાગમ ટ્રાન્સપોર્ટ યોજના' અને જાહેર પરિવહનમાં સુધાર

રાજ્યમાં છેલ્લા ૨૧ વર્ષથી ચાલી આવતી સંગઠિત જાહેર પરિવહન પ્રણાલીની માંગણીનો આખરે અંત આવ્યો છે. કેબિનેટે 'સુભાગમ ટ્રાન્સપોર્ટ યોજના' શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે, જેનાથી સમગ્ર રાજ્યમાં નાગરિકો માટે સુવ્યવસ્થિત અને આધુનિક જાહેર પરિવહન સેવાઓ ઉપલબ્ધ બનશે.

​શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટે વિશેષ જોગવાઈ

શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા વધારવા માટે કેબિનેટે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ પેટે સીધા તેમના બેંક ખાતામાં રૂ. ૬૦૦ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે જમા કરવાનો નિર્ણય લીધો છે. આગામી વર્ષથી યુનિફોર્મ વિતરણ માટે વધુ મજબૂત યોજના તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, હોસ્ટેલમાં રહેતા વિચરતી જાતિઓ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને રૂ. ૧ પ્રતિ કિલોના સબસિડી વાળા દરે અનાજ પૂરું પાડવાના કલ્યાણકારી નિર્ણયને પણ મંજૂરી અપાઈ છે. રાજ્યમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત ૭૬,૦૦૦ થી વધુ અતિથિ શિક્ષકોના હિતોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

​આરોગ્ય અને સિંચાઈ ક્ષેત્રે કરોડનું રોકાણ

આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે ઔષધ નિયંત્રણ પ્રણાલી સુધારવા અને સિંગરોલી જિલ્લા હોસ્પિટલની પથારી ક્ષમતા ૪૫૦ થી વધારીને ૬૦૫ કરવાની મંજૂરી અપાઈ છે. આ સાથે જ કૃષિ અને સિંચાઈ ક્ષેત્ર માટે લીમચ ખાતે 'રામપુરા મનાસા માઇક્રો લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ' માટે રૂ. ૫૨૪.૬૫ કરોડ અને સાગર જિલ્લાના 'બાંડા મેજર ઇરિગેશન પ્રોજેક્ટ' માટે રૂ. ૧,૦૫૨ કરોડની મંજૂરી આપવામાં આવી છે.

​ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નદી શુદ્ધિકરણ અને ન્યાયિક માળખું

માર્ગ કનેક્ટિવિટી મજબૂત કરવા હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ હેઠળ ૧૦૫.૧૦ કિલોમીટર લાંબા 'દામોહ-કટની' ફોર-લેન રોડ માટે રૂ. ૪,૪૭૦.૩૦ કરોડની પ્રશાસનિક મંજૂરી મળાઈ છે. સિંહસ્થ ૨૦૨૮ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ઉજ્જૈનની શિપ્રા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે 'કાન્હ ડાયવર્ઝન ક્લોઝ્ડ ડક્ટ પ્રોજેક્ટ' માટે રૂ. ૩૫૮.૨૨ કરોડ મંજૂર કરાયા છે. તે સિવાય નવા હાઈકોર્ટ ભવન, જ્યુડિશિયલ એકેડમી અને શ્રમ કલ્યાણ યોજનાઓ માટે પણ રૂ. ૨૪,૫૦૦ કરોડના કુલ પેકેજમાંથી મોટી રકમ ફાળવવામાં આવી છે.

(3:47 PM IST)