<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

મધ્ય પૂર્વમાં મહા-વિસ્ફોટક સ્થિતિ: સાઉદી અરેબિયાએ હુથી સામે રક્ષણ મેળવવા અણધાર્યા માર્ગે ઇઝરાયલ પાસે ગુપ્તચર મદદ માંગી!

મક્કા કરાર છતાં પાકિસ્તાને સેના મોકલવાનો ઇનકાર કરતા રિયાધ ભીંસમાં: બાબ અલ-મંડેબ પર હુથીઓના કબજાથી વૈશ્વિક તેલ નિકાસ ઠપ્પ થવાનો મોટો ખતરો

રિયાધ: મધ્ય પૂર્વના ભૌગોલિક રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો અને વિસ્ફોટક વળાંક સામે આવ્યો છે. યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના ઊર્જા માળખા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા બાદ, રિયાધે પોતાની સુરક્ષા માટે અણધાર્યો માર્ગ અપનાવવો પડ્યો છે. ઇઝરાયલ સાથે કોઈ સત્તાવાર રાજદ્વારી સંબંધો ન હોવા છતાં અને તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા ન આપવા છતાં, સાઉદી અરેબિયાએ યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના માધ્યમથી ઇઝરાયલ પાસેથી ગુપ્તચર મદદ માટે પરોક્ષ અપીલ કરી છે. ધ જેરુસલેમ પોસ્ટ અને ઇઝરાયલ હાયોમના અહેવાલો મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને યુએસ મધ્યસ્થતા દ્વારા ઇઝરાયલ, ગલ્ફ દેશો અને ઇજિપ્ત પાસે બાબ અલ-મંડેબ સ્ટ્રેટ સંબંધિત જોખમો સામે લડવા સહયોગ માંગ્યો છે.

આ સંકટ તે સમયે વધુ ઘેરાયું જ્યારે સાઉદી અરેબિયાના સુરક્ષા ભાગીદાર પાકિસ્તાને યમનની ધરતી પર સીધો લશ્કરી હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના મક્કા સંરક્ષણ ગઠબંધન છતાં, ઇસ્લામાબાદે સ્પષ્ટ કર્યું છે કે તેની સેના સાઉદી અરેબિયાની સરહદોની સુરક્ષા માટે તૈનાત થઈ શકે છે, પરંતુ વિદેશી ધરતી પર યુદ્ધમાં ભાગ લેવો તેની લાલ રેખા છે. બીજી તરફ, અમેરિકા અને બ્રિટને પણ યમન પર સીધા લશ્કરી હહુમલા કરવાના બદલે માત્ર ગુપ્તચર માહિતી અને લશ્કરી સલાહકારો પૂરા પાડવા સુધી જ પોતાની ભૂમિકા મર્યાદિત રાખી છે. પરિણામે, રિયાધ આ પ્રાદેશિક સંકટમાં એકલું પડી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

તાજેતરમાં અંસાર અલ્લાહના લડવૈયાઓએ અચાનક હુમલો કરીને સાઉદી સમર્થિત રાષ્ટ્રીય પ્રતિકાર મોરચાને પછાડી દીધો છે અને લાલ સમુદ્રના કિનારાના ટાપુઓ તેમજ વ્યૂહાત્મક બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. હુથી નેતાઓએ જુલાઈથી લાદવામાં આવેલી સાઉદી શિપિંગ પરની નાકાબંધી યથાવત રાખવાની જાહેરાત કરી છે, જે સાઉદીના વિશાળ પાઇપલાઇન નેટવર્ક અને તેલ નિકાસ ક્ષમતાને સંપૂર્ણપણે ઠપ્પ કરી શકે છે. ઇઝરાયલ પણ ગાઝા યુદ્ધ બાદ લાલ સમુદ્રમાં હુથીઓના હુમલાનો સામનો કરી રહ્યું હોવાથી, ઇઝરાયલી સંરક્ષણ દળોના  અધિકારીઓએ આ મુદ્દે એકલા આગળ વધવાને બદલે પ્રાદેશિક ગઠબંધન સાથે માત્ર ગુપ્તચર માહિતી શેર કરવાની ભલામણ કરી છે.

(7:32 PM IST)