<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ૩૫ જળાશયો હાઈ એલર્ટ પર

સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' : રાહત અને બચાવ કાર્ય માટે NDRF અને SDRF ની ૩૮ ટીમો તૈનાત

ગાંધીનગર: ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકારની ભારે વિકટ સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના આણંદ, અમદાવાદ અને વલસાડ સહિતના વિસ્તારોમાં મુસળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની ૩૮ ટીમો રાજ્યભરમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાણીની આવક વધતાં રાજ્યના ૩૫ જળાશયોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક માટે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે:

 * રેડ એલર્ટ: સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારેથી અત્યંત ભારે તથા અનરાધાર વરસાદની સંભાવનાને પગલે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

 * ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

 * યલો એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગરહવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું 'યલો એલર્ટ' જારી કરાયું છે.

ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તમામ પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે.

(4:44 PM IST)