તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આગામી ૭ દિવસ દેશના આ રાજ્યોમાં 'જળબંબાકાર'ની ચેતવણી!
ઉત્તર-પૂર્વ ભારતથી લઈને દક્ષિણના દરિયાકાંઠા સુધી મેઘમહેર કેર વર્તાવશે: ૧૭ થી ૨૩ મે દરમિયાન આસામ, મેઘાલય અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ : વીજળીના કડાકા અને ૪૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન સામે હવામાન વિભાગની લાલબત્તી

નવી દિલ્હી : ભારતના હવામાન વિભાગ એ એક ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ દેશના અનેક રાજ્યો માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના છ રાજ્યો—નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ૧૭ થી ૨૩ મે દરમિયાન મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ વીજળીના કડાકા અને તીવ્ર વાવાઝોડાની પણ શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુઓ અને સિક્કિમમાં પણ અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ ભારતમાં પણ ચોમાસા જેવો માહોલ જામવાની તૈયારીમાં છે. તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં આગામી પાંચ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાનું અનુમાન છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં ૨૦ અને ૨૧ મેના રોજ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ભારતના આ રાજ્યોમાં ૧૭ થી ૨૧ મે દરમિયાન વરસાદી માહોલ જામતા તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
પહાડી રાજ્યોની વાત કરીએ તો, ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રવાસન સ્થળોએ જતા પ્રવાસીઓ માટે પણ સાવધ રહેવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૨૦ થી ૨૩ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન ની શક્યતા હોવાથી વહીવટીતંત્રે સતર્કતા રાખવા આદેશ આપ્યા છે. મધ્ય ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ૧૭-૧૮ મે દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જે ગરમીથી તો રાહત આપશે પણ અચાનક આવતા વાવાઝોડાથી ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
