<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી

સુરતમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા રાહતઃ સમગ્ર શહેર જળબંબાકાર : સુરત શહેર જીલ્લામાં ભારે વરસાદઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા વાલોદમાં ૨ ઇંચઃ ૨૪ કલાકમાં ૩૩ તાલુકામાં મેઘમહેરઃ ખેડૂતોરાજી

સુરત તા.૩૦: સુરત શહેર અને સમગ્ર જિલ્‍લામાં મોડી રાત્રીથી જ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રની પ્રિ-મોન્‍સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. મોડી રાતથી સવાર સુધીમાં અઢી ઇંચ અને સવારે ૬ વાગ્‍યાથી બપોર સુધીમાં કુલ અઢી ઇંચ મળી કુલ ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્‍યારે જિલ્‍લામાં ૧ થી ૨ ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં કડોદરા જેવા નિચાણવાળા વિસ્‍તારો જળમગ્ન બન્‍યા છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ૧૦ હજારથી વધુ સ્‍થાનિક રહીશો, નોકરિયાત વર્ગ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરની સાથોસાથ સુરત ગ્રામ્‍ય અને જિલ્‍લાના વિસ્‍તારો જેવા કે કોસંબા, કીમ, કામરેજ અને કડોદરામાં પણ મેઘરાજાએ તોફાની બેટિગ કરી છે. કડોદરા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્‍સૂન સફાઈ અને ડ્રેનેજ કામગીરી માત્ર એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે. કડોદરાની શ્રીનિવાસ સોસાયટીમાં પાણીનો યોગ્‍ય નિકાલ ન થવાને કારણે ગટર અને વરસાદી પાણી ભેગા થઈને રસ્‍તાઓ તેમજ નીચાણવાળા ઘરોમાં ભરાઈ ગયા છે. આ વિસ્‍તારમાં ૧૦ હજારથી વધુ લોકોનો વસવાટ હોવાથી સવારના સમયે નોકરી પર જતાં શ્રમિકો અને સ્‍કૂલે જતાં બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્‍યા છે, જેથી સ્‍થાનિકોમાં પાલિકાની ઘોર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છેલ્‍લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ તો, સુરત શહેર બાદ તાપીના વાલોડમાં બે ઈંચ, જ્‍યારે સુરતના માંગરોળ અને કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણામાં દોઢ ઈંચ અને અરેઠમાં સવા ઈંચ વરસાદ પડ્‍યો છે. વલસાડ જિલ્‍લાના ઉમરગામ અને નાનાપોંઢામાં એક-એક ઈંચ, જ્‍યારે તાપીના કુકરમુડા, બોટાદના રાણપુર, નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને વલસાડ શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે.

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાની રમઝટ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્‍તારોમાં હળવાથી સારો વરસાદ પડ્‍યો હતો. છેલ્‍લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્‍યમાં સૌથી વધુ સુરત શહેરમાં અઢી ઇંચ વરસાદ વરસ્‍યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્‍તારોમાં વરસાદ નોંધાતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. જોકે, આગામી ૨૪ કલાક બાદ એટલે કે, પહેલી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે જામ્‍યું છે. છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના અનેક જિલ્‍લાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્‍તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનું આગમન થતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

રાજ્‍યભરમાં મેઘમહેર સુરત શહેર અને જિલ્‍લામાં વરસાદની ધમાકેદાર એન્‍ટ્રી થઈ છે. સુરત શહેરમાં માત્ર ૪ કલાકમાં સવા ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ, નવસારીમાં સવારથી જ મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને દિવસે પણ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી છે. તાપી જિલ્‍લાના વાલોડ, વ્‍યારા અને સોનગઢ પંથકમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.

સુરત શહેરમાં મોડી રાત્રે મેઘરાજાના આગમન બાદ વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ વિસ્‍તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઓલપાડ, કામરેજ અને માંગરોળમાં પોણા ૨ ઇંચ સુધી વરસાદ પડ્‍યો છે, જેથી ખેડૂતોને રાહત મળી છે.

નવસારી

લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગર અને શાકભાજીના પાક માટે આ વરસાદ જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યો છે.

તાપી

વાલોડમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. વ્‍યારા અને ડોલવાણ વિસ્‍તારમાં પણ ધીમી ધારે વરસાદ સતત ચાલુ છે.

અમરેલી

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્‍લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને કારણે રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા છે. બાબરકોટ, મીતીયાળા અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે.

સુરતના માંગરોળ વિસ્‍તારમાં ભારે વરસાદને પગલે પાલોદ-સિયાલજ ખાડી પાસે નેશનલ હાઈવે-૪૮ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવેની પ્રથમ લેન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સુરક્ષાના કારણોસર હાઈવેની માત્ર બે લેન પરથી જ વાહનવ્‍યવહાર ચાલુ રાખવામાં આવ્‍યો છે, જેથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

 રાજ્‍યના વરસાદના આંકડા મુજબ, ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં અઢી ઇંચ નોંધાયો છે. જ્‍યારે તાપી જિલ્‍લાના વાલોદમાં ૨ ઇંચ વરસાદ વરસ્‍યો છે. આ સાથે સુરતના કામરેજ અને માંગરોળમાં ૧.૬૫ ઇંચ, પલસાણામાં ૧.૩૪ ઇંચ, અરેઠમાં ૧.૨૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે દક્ષિણ ગુજરાતના અન્‍ય જિલ્‍લાઓમાં પણ વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં ૧ ઇંચ, વલસાડના નાનાપોંઢામાં ૧ ઇંચ, તાપીના કુકરમુંડામાં પોણો ઇંચ, બોટાદના રાણપુરમાં પોણો ઇંચ, નવસારીના ચીખલીમાં પોણો ઇંચ અને વલસાડના પારડીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવા અંગે હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ ૧ જુલાઈએ વરસાદ વધુ સક્રિય બનશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ૨થી ૫ જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્‍યાપક વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ૩થી ૫ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અત્‍યંત ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્‍ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

(2:57 PM IST)