તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
નાસિકમાં મેઘરાજાનું તાંડવ, ગોદાવરી નદીમાં ઘોડાપૂર, ઐતિહાસિક રામકુંડ અને મંદિરો જળમગ્ન
ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે નાસિક શહેર અને સમગ્ર ઉત્તર મહારાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે

નાસિક તા.૨૪: ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે નાસિક શહેર અને સમગ્ર ઉત્તર મહારાષ્ટ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદના કારણે ગોદવરી નદીના જળસ્તરમાં ભારે વધારો થયો છે, જેનાથી ઐતિહાસિક રામકુંડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે.
સતત વરસાદને લીધે ગોદવરી નદી બે કાંઠે વહી રહી છે અને રામકુંડ વિસ્તારમાં અનેક નાના-મોટા મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. શહેરનું પ્રસિદ્ધ હનુમાન મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. જળસ્તર વધવાની સાથે જ વહીવટી તંત્ર હાઇ એલર્ટ પર છે અને નદી કિનારાના વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે.
ગંગાપુર ડેમમાંથી ગોદવરી નદીમાં છોડવામાં આવતા પાણીના જથ્થામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ૧૨,૬૦૦થી ૧૪,૦૦૦ ક્યુસેકની ઝડપે પાણી છોડવામાં આવી રહ્યું છે; અગાઉ બપોરે હોલકર બ્રિજ પાસે પાણીનો પ્રવાહ ૧૯,૩૯૦ ક્યુસેક સુધી પહોંચી ગયો હતો. આ જગ્યાએ ચેતવણીનું સ્તર ૧૫,૦૦૦ ક્યુસેક અને જોખમી સ્તર ૧૯,૩૯૦ ક્યુસેક નક્કી કરવામાં આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, જો સાંજ સુધીમાં પાણીનો પ્રવાહ ૨૧,૦૦૦ ક્યુસેકથી વધુ થઈ જશે, તો પાણી સરાફા બજારની સાથે-સાથે નદી કિનારે વસતા નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓમાં પણ ઘૂસી શકે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
