તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
મેઘતાંડવ : ભારે વરસાદ અને શ્રેણીબદ્ધ ભૂસ્ખલનથી મુંબઈ-પુણે વચ્ચેનો સંપર્ક સંપૂર્ણ તૂટ્યો : ૧૬ ટ્રેનો રદ : એક્સપ્રેસ-વે સહિત બંને હાઇવે ઠપ્પ
ભોર ઘાટ અને ખંડાળા સેક્ટરમાં રેલવે ટ્રેક પર પહાડો ધસી પડતાં ત્રણેય લાઈનો બ્લોક : ટનલ પાસે ભેખડો પડતા અને કોંક્રિટનો પિલર ધરાશાયી થતાં હજારો મુસાફરો અટવાયા : ચાર જિલ્લામાં શાળાઓ-કોલેજોમાં રજા જાહેર

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાના રૌદ્ર સ્વરૂપે ભારે તારાજી સર્જી છે. સોમવારે સવારથી જ શરૂ થયેલા પ્રલયકારી વરસાદ અને તેના કારણે થયેલા શ્રેણીબદ્ધ ભૂસ્ખલનને પગલે મુંબઈ અને પુણે વચ્ચેનો વાહનવ્યવહાર તેમજ રેલવે સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આકાશી આફતના કારણે બંને શહેરો વચ્ચે દોડતી ૧૬ જેટલી મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે ૯ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. આ ઉપરાંત સુરક્ષાના કારણોસર મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને જૂનો હાઇવે પણ આગામી આદેશ સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયા છે. હવામાન વિભાગે સ્થિતિની ગંભીરતાને જોતા મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ અને પુણે માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મધરાતે ઘાટ સેક્ટરમાં તૂટી પડ્યા પહાડો, રેલવેની ત્રણેય લાઈનો પ્રભાવિત:
સેન્ટ્રલ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે અંદાજે ૩:૦૫ વાગ્યે કરજત-લોનાવાલા વચ્ચે આવેલા ભોર ઘાટના ઠાકુરવાડી વિસ્તારમાં મોટું ભૂસ્ખલન થયું હતું. ત્યારબાદ ખંડાળા અને મંકી હિલ વચ્ચે પણ પહાડની ભેખડો ધસી પડી હતી. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, સતત વરસી રહેલા મુસળધાર વરસાદના કારણે ભોર ઘાટના અત્યંત પડકારજનક સેક્ટરમાં મુંબઈ તરફ જતી અપ લાઈન, પુણે તરફ જતી ડાઉન લાઈન અને મિડલ લાઈન એમ ત્રણેય રેલવે ટ્રેક પર કાટમાળ આવી જતાં ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે.
ડેક્કન ક્વીન અને સિંહગઢ સહિતની પ્રમુખ ટ્રેનો રદ, મુસાફરો હેરાન:
રેલવે ટ્રેક બંધ થઈ જવાના કારણે પ્રવાસીઓની ભારે ભીડ ધરાવતી સીએસએમટી-પુણે ઇન્દ્રાયણી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, ડેક્કન એક્સપ્રેસ, ઐતિહાસિક ડેક્કન ક્વીન, પ્રગતિ એક્સપ્રેસ, ધુળે એક્સપ્રેસ અને પુણે-સીએસએમટી સિંહગઢ એક્સપ્રેસ સહિતની ૧૬ ટ્રેનોને સંપૂર્ણ રદ કરી દેવાઈ છે. આ સિવાય લાંબા અંતરની અનેક ટ્રેનોને અધવચ્ચે જ ટૂંકાવી દેવામાં આવી છે અથવા તેના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે અને પ્રવાસીઓને મુસાફરી શરૂ કરતા પહેલા લાઈવ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરાઈ છે.
ટનલ પાસે ભૂસ્ખલન અને કોંક્રિટ પિલર પડતાં હાઇવે બંધ:
રોડ પરિવહનની વાત કરીએ તો, મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અને જૂના હાઇવે પર વહેલી સવારથી જ ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવાયો છે. ખોપોલી-કુસગાંવ મિસિંગ લિંક પર ટનલ-૨ ના એક્ઝિટ પોઇન્ટ પાસે વહેલી સવારે ૪ વાગ્યે ભૂસ્ખલન થતાં પુણે તરફ જતો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવો પડ્યો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક્સપ્રેસ-વે પર કનેક્ટિંગ લિંક અને મિસિંગ લિંક વચ્ચેના ભાગમાં એક મોટો કોંક્રિટ પિલર રોડ પર ધરાશાયી થઈ ગયો હતો. આ સિવાય ખંડાળા ઘાટમાં ભારે જળબંબોળ અને જૂના હાઇવે પર અનેક જગ્યાએ પાણી ફરી વળતાં રસ્તાઓ અદ્રશ્ય થઈ ગયા છે. માવળ અને તામહિણી ઘાટમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વૈકલ્પિક આંતરિક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
પોલીસની જાહેર એડવાઈઝરી અને શાળાઓમાં રજાનું એલાન:
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) અને હાઇવે ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંયુક્ત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાઇવે પોલીસ દ્વારા જાહેર જનતા માટે કડક એડવાઈઝરી બહાર પાડીને અપીલ કરવામાં આવી છે કે, જ્યાં સુધી હવામાન અને રસ્તાની સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી મુંબઈ અને પુણે વચ્ચેની કોઈપણ પ્રકારની મુસાફરી સદ્દંતર ટાળવી અને પોતાના પ્રવાસના આયોજનો મુલતવી રાખવા. બીજી તરફ, હવામાન વિભાગની વધુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સોમવારે મુંબઈ, પુણે, ઠાણે અને પાલઘર જિલ્લાની તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ સંચાલિત શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સત્તાવાર રજા જાહેર કરી દેવામાં આવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
