તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
G7 સમિટમાં 'મેલોડી'ની ધૂમ: વડાપ્રધાન મોદી અને જ્યોર્જિયા મેલોનીના હળવાશભર્યા સંવાદે સોશિયલ મીડિયા પર મચાવી હલચલ
ઇન્સ્ટાગ્રામ પરના સૌથી પ્રખ્યાત 'કપલ' તરીકેની ચર્ચા પર બંને નેતાઓ ખડખડાટ હસી પડ્યા; રાજદ્વારી સંબંધોની વચ્ચે જોવા મળી મિત્રતાની નવી કેમિસ્ટ્રી.

એવિયન, ફ્રાન્સ : ફ્રાન્સના એવિયન ખાતે યોજાઈ રહેલી G7 સમિટ માત્ર ગંભીર વૈશ્વિક મુદ્દાઓ માટે જ નહીં, પરંતુ ભારત અને ઈટાલીના વડાપ્રધાનો વચ્ચેની મિત્રતા માટે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેની વાતચીતનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને નેતાઓ પોતાની લોકપ્રિયતા અને 'મેલોડી' (Melodi) હેશટેગ અંગે હળવાશભર્યા અંદાજમાં મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા.
આ સંવાદ દરમિયાન, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર 'મેલોડી' શબ્દની વધતી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો ત્યારે જ્યોર્જિયા મેલોનીએ ખૂબ જ રમૂજી જવાબ આપતા કહ્યું, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ છીએ." મેલોનીનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 'મેલોડી' હેશટેગનું સર્જન વડાપ્રધાન મોદી અને મેલોનીની અટકોના જોડાણમાંથી થયું છે, જે 2023માં દુબઈ ખાતેની COP28 સમિટમાં પ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું.
આ 'મેલોડી' કનેક્શન પાછળ એક રસપ્રદ કિસ્સો પણ જોડાયેલો છે. ગયા મહિને જ્યારે પીએમ મોદી રોમની મુલાકાતે હતા, ત્યારે તેમણે જ્યોર્જિયા મેલોનીને ભારતની લોકપ્રિય 'મેલોડી' ટોફી ભેટમાં આપી હતી. આ ક્ષણની તસવીરો અને વીડિયો ક્લિપિંગ્સ ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત વાયરલ થઈ હતી. મેલોનીએ ટોફી પકડીને જ્યારે "વડાપ્રધાન મોદી ખૂબ જ સારી ટોફી લાવ્યા છે" તેમ કહ્યું હતું, ત્યારે તે વીડિયો નેટીઝન્સના દિલ જીતી ગયો હતો.
વૈશ્વિક મંચ પર જ્યાં મોટાભાગે રાજદ્વારી અને ગંભીર ચર્ચાઓ થતી હોય છે, ત્યાં ભારત અને ઈટાલીના વડાપ્રધાનોની આ નિકટતા અને હળવાશભર્યા સંબંધો એક નવી અને સકારાત્મક કેમિસ્ટ્રી દર્શાવે છે. આ 'મેલોડી' ચર્ચાએ રાજકારણના કઠોર વાતાવરણમાં મિત્રતા અને માનવીય સંબંધોની એક અલગ છબી પ્રસ્તુત કરી છે, જેણે સોશિયલ મીડિયા પર પણ લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
