તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
થાણેમાં ક્રોસ-ઓપરેશન દરમિયાન ₹૫.૬૬ કરોડનું 'મેફેડ્રોન' ડ્રગ્સ જપ્ત: ક્રાઈમ બ્રાન્ચના સપાટામાં ડ્રગ કાફલાના ચાર સાગરીતો જેલભેગા!
ઘોડબંદર રોડ પર બસ સ્ટોપ નજીકથી સ્કૂટરની ડિકીમાંથી મળ્યું કરોડોનું MD ડ્રગ્સ. નવી મુંબઈ સુધી વિસ્તરેલી જાળમાં પોલીસને મળી મોટી સફળતા.

થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટો ધાક બેસાડતા થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) એ બે અલગ-અલગ હાઇ-પ્રોફાઇલ ઓપરેશન પાર પાડીને અંદાજે ₹૫.૬૬ કરોડ ની કિંમતનો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ સનસનાટીભરી કાર્યવાહી દરમિયાન ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલા ચાર રીઢા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પહેલું ઓપરેશન: સ્કૂટરની ડિકીમાંથી મળ્યું ₹૩.૩૪ કરોડનું ડ્રગ્સ
ગુપ્ત બાતમીના આધારે એન્ટિ-નાર્કોટિક્સ સેલની ટીમે ઘોડબંદર રોડ પર આવેલા ગાયમુખ બસ સ્ટોપ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે સ્કૂટર પર આવી પહોંચેલા મોઝીમ અબ્દુલ્લા શેખ (૪૧) અને તબરેઝ અબ્દુલ્લા શેખ (૫૧) ને પોલીસે ઘેરી લીધા હતા. સ્કૂટરની ડિકીની તલાશી લેતાં જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા; તેમાંથી ₹૩.૩૪ કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ મામલે કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
બીજું ઓપરેશન: થાણેથી નવી મુંબઈ સુધી લંબાઈ તપાસ
બીજી કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચે થાણેના કોપરી વિસ્તારમાં BSNL ઓફિસ નજીક દરોડો પાડીને અબ્દુલ રહેમાન મોઈદ્દીન કાદર શેખ (૩૩) નામના શખસને ₹૨.૩૦ કરોડના એમડી ડ્રગ્સ સાથે આંતર્યો હતો. કડક પૂછપરછમાં અબ્દુલે ખુલાસો કર્યો હતો કે આ માલ તેણે નવી મુંબઈના સીવૂડ્સ વિસ્તારમાં રહેતા આફ્રિદી મોહમ્મદ વલી શેખ (૨૭) પાસેથી મેળવ્યો હતો. મળેલા કલૂના આધારે પોલીસે તુરંત નવી મુંબઈમાં દરોડો પાડીને આફ્રિદીની પણ ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં કોપરી પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને આટલો મોટો ડ્રગ્સનો જથ્થો ક્યાંથી સપ્લાય થતો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
