<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

યુરોપમાં સનાતન સંસ્કૃતિનું ગૌરવ ઝળહળાવતો અનુપમ મિશનનો ‘ૐ’ હિંડોળો : ઇંગ્લેન્ડના ઐતિહાસિક ‘ૐ ક્રેમેટોરિયમ’થી પ્રેરિત કલાત્મક સર્જન શ્રાવણ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

ગુરુસભાના યુવાનો દ્વારા સંતોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી દિવ્ય રચના : દેશ-વિદેશના અખબારોના કટિંગ્સ અને વૈશ્વિક પ્રસિદ્ધિના દૃશ્યો સાથે શ્રી ઠાકોરજી મહારાજના દર્શન કરવા ભક્તો ઉમટ્યા

મોગરી : અનુપમ મિશનમાં શ્રાવણ માસ દરમિયાન ઉજવાતા પરંપરાગત હિંડોળા મહોત્સવમાં આ વર્ષે ગુરુસભાના યુવાનો દ્વારા સંતોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ ‘ૐ’ હિંડોળો સનાતન સંસ્કૃતિના વૈશ્વિક ગૌરવનું જીવંત પ્રતીક બનીને સૌનું ધ્યાન આકર્ષી રહ્યો છે. આધ્યાત્મિકતા, કલાત્મકતા અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય ધરાવતો આ હિંડોળો ભક્તો અને મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

 

તાજેતરમાં અનુપમ મિશન ઇંગ્લેન્ડ ખાતે શ્રી યોગી આજ્ઞા મંત્રદીક્ષા હીરક જયંતિ મહોત્સવ દરમિયાન અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ‘ૐ ક્રેમેટોરિયમ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. યુરોપની ધરતી પર હિંદુ અંતિમ સંસ્કાર પરંપરાને ગૌરવપૂર્ણ સ્થાન અપાવનાર આ ઐતિહાસિક પ્રોજેક્ટે વિશ્વભરમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો છે. આ જ સિદ્ધિથી પ્રેરણા લઈને આ વર્ષની હિંડોળા રચનાને અનોખું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

 

આ હિંડોળાના કેન્દ્રમાં પ્રણવ ‘ૐ’, તેની મધ્યમાં બિરાજમાન શ્રી ઠાકોરજી મહારાજ, આસપાસ અનુપમ મિશનનું પ્રતીકાત્મક લોગો તથા પાછળ ‘ૐ ક્રેમેટોરિયમ’, લંડનની ઓળખ અને આ પ્રોજેક્ટને પ્રાપ્ત થયેલી વૈશ્વિક પ્રસિદ્ધિના દૃશ્યોનું આકર્ષક નિરૂપણ કરવામાં આવ્યું છે. હિંડોળાની આગળ પ્રોજેક્ટ સંબંધિત માહિતી તથા દેશ-વિદેશના અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના કટિંગ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે મુલાકાતીઓને આ ઐતિહાસિક પ્રોજેક્ટની સમગ્ર માહિતી પૂરી પાડે છે.

 

સંત ભગવંત સાહેબદાદાની આજ્ઞાથી અનુપમ મિશનમાં દર વર્ષે સંતોના માર્ગદર્શન હેઠળ યુવાનો અને યુવતીઓ આધ્યાત્મિક સંદેશને સર્જનાત્મક કલારૂપે અભિવ્યક્ત કરતા હિંડોળાઓનું નિર્માણ કરે છે. આ વર્ષે તૈયાર થયેલો ‘ૐ’ હિંડોળો યુરોપમાં સનાતન સંસ્કૃતિના ગૌરવ, અનુપમ મિશનની સેવાયાત્રા અને ગુરુપ્રેરિત વિશ્વકલ્યાણના સંકલ્પનું પ્રેરણાદાયી પ્રતીક બની રહ્યો છે.

 

શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો અને મુલાકાતીઓ આ દિવ્ય હિંડોળાના દર્શન માટે આવી રહ્યા છે. હિંડોળાની કલાત્મક અભિવ્યક્તિ, આધ્યાત્મિક સંદેશ અને ઐતિહાસિક વિષયવસ્તુ સૌને પ્રભાવિત કરી રહી છે. ‘ૐ’ના પ્રણવ નાદથી લઈને વિશ્વવ્યાપી સનાતન ગૌરવ સુધીની આ યાત્રા અનુપમ મિશનની સેવા, સંસ્કાર અને સંસ્કૃતિના વૈશ્વિક વિઝનને સાકાર કરતી જોવા મળે છે.

(12:35 PM IST)