તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
ડ્રગ કાર્ટેલ સાથે સાંઠગાંઠના ગંભીર આરોપોમાં ઘેરાયેલા મેક્સીકન ગવર્નરનું રાજીનામું: સત્તાના સિંહાસન પરથી ફેંકાયા બાદ રાજકીય ભૂકંપ
યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા સિનાલોઆ કાર્ટેલને રક્ષણ આપવા અને લાંચ લેવાના સનસનીખેજ આક્ષેપો બાદ રુબેન રોચા મોયાએ 'કામચલાઉ રજા'ના બહાને પદ છોડવાની કરી જાહેરાત

સિનાલોઆ:મેક્સિકોના રાજકારણમાં ડ્રગ માફિયાઓ અને સત્તાધીશો વચ્ચેની કથિત મિલીભગતનો મામલો ગરમાયો છે. સિનાલોઆ રાજ્યના ગવર્નર રુબેન રોચા મોયાએ ડ્રગ કાર્ટેલને મદદ કરવાના ગંભીર આરોપો બાદ શુક્રવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અમેરિકી પ્રોસિક્યુટર્સે તેમના પર શક્તિશાળી સિનાલોઆ કાર્ટેલ પાસેથી લાંચ લેવા અને તેમને કાયદાકીય રક્ષણ પૂરું પાડવાનો ગંભીર આરોપ મૂક્યો છે, જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જાયો છે.
૭૬ વર્ષીય રોચાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ આ આરોપો સામે પોતાનો બચાવ કરવા માટે "કામચલાઉ રજા" લઈ રહ્યા છે. જોકે, તેમણે પોતાની જાતને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે તેમણે જનતા કે પરિવાર સાથે ક્યારેય દગો કર્યો નથી. અમેરિકામાં દાખલ થયેલા આરોપનામા બાદ મેક્સિકોમાં ઉઠેલા વિરોધના વંટોળને કારણે તેમને નમતું જોખવાની ફરજ પડી છે.
આ કૌભાંડ સામે આવ્યા બાદ મેક્સિકોના ન્યાયિક તંત્ર અને તપાસ એજન્સીઓ પર પણ દબાણ વધ્યું છે. વર્ષોથી ડ્રગ કાર્ટેલના ગઢ ગણાતા આ રાજ્યમાં ગવર્નર કક્ષાના અધિકારી પર આવા આક્ષેપો થતા સમગ્ર વહીવટીતંત્ર શંકાના દાયરામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય તપાસ વધુ તેજ બને અને સત્તાના ગલિયારામાં વધુ મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
