<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

માઈકલ બરીની મોટી ચેતવણી: એન્થ્રોપિકના IPO પેપર્સથી ખુલી ગઈ AI સેક્ટરની પોલ, ઇન્ડસ્ટ્રી અત્યંત જોખમમાં!

​'ધ બિગ શોર્ટ' ફેમ રોકાણકારનું નિવેદન: AI સેક્ટરનું ફાઈનાન્સિંગ મોડલ ડોટ-કોમ બબલ જેવું જ ખતરનાક અને ચિંતાજનક

​અમદાવાદ/ન્યૂયોર્ક: વૈશ્વિક નાણાકીય બજારોમાં પોતાની સચોટ ભવિષ્યવાણીઓ માટે જાણીતા પ્રખ્યાત રોકાણકાર અને 'ધ બિગ શોર્ટ' ફિલ્મથી લોકપ્રિય બનેલા માઈકલ બરી (Michael Burry) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પ્રમુખ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની 'એન્થ્રોપિક' (Anthropic) દ્વારા પબ્લિક ઇશ્યુ (IPO) માટે દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો સામે આવ્યા બાદ માઈકલ બરીએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ IPO ફાઇલિંગ સાબિત કરે છે કે સમગ્ર AI ઇન્ડસ્ટ્રી અત્યારે 'ભયજનક રીતે જોખમી' (Catastrophically Vulnerable) સ્થિતિમાં ઊભી છે.

​ગૂંચવાયેલા સોદાઓ અને ફાઈનાન્સિંગ પર સવાલો
​સબસ્ટેક અને સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કરતા માઈકલ બરીએ જણાવ્યું કે એન્થ્રોપિકના IPOના કાગળો દર્શાવે છે કે આખા AI ઇકોસિસ્ટમમાં નાણાં રોકાણ અને સોદાઓનું એક એવું જાળું ફેલાયેલું છે જે અતિશય જોખમી છે. તેમણે આ ફાઈનાન્સિંગ વ્યવસ્થાઓને "ખૂબ જ અસાધારણ અને જોખમી" ગણાવી છે. બરીના મતે, આખી ઇન્ડસ્ટ્રી એકબીજા પર નિર્ભર એવા સર્ક્યુલર ફાઇનાન્સિંગ અને આક્રમક એકાઉન્ટિંગ પર ચાલી રહી છે, જે લાંબા ગારે ટકાઉ નથી.

​ડોટ-કોમ બબલ સાથે સરખામણી
​માઈકલ બરીએ 2000ના દાયકાની શરૂઆતમાં ફાટેલા 'ડોટ-કોમ બબલ' (Dot-com Bubble)ની યાદ અપાવતા કહ્યું કે વર્તમાન સમયમાં AI સેક્ટરની અંદર પણ બિલકુલ એ જ પ્રકારની ભૂલો ફરી દોಹરાવવામાં આવી રહી છે. અગાઉ પણ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની કંપનીઓ બજારમાંથી ટ્રિલિયનો ડૉલરનું મૂડી રોકાણ ખેંચીને તેને નષ્ટ કરી નાખશે, જેનાથી આખરે સામાન્ય રિટેલ રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

​રોકાણકારો માટે મોટી ચેતવણી
​AI ટેક્નોલોજીની પ્રગતિ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ તેના બેફામ ખર્ચ, માઇક્રોચિપ્સ અને ડેટા સેન્ટર્સમાં અતિશય ઓવર-ઇન્વેસ્ટમેન્ટ તેમજ નફાકારકતાના અવાસ્તવિક દાવાઓ સામે બરી લાંબા સમયથી શંકા વ્યક્ત કરતા આવ્યા છે. એન્થ્રોપિકના આ નવા IPO પેપર્સે તેમની આ શંકાઓને વધુ મજબૂત બનાવી છે કે જો ભવિષ્યમાં AI કંપનીઓની આવક અપેક્ષિત ગતિએ નહીં વધે, તો આ સમગ્ર માળખું ધરાશાયી થઈ શકે છે.

(3:54 PM IST)