તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અડધી રાત્રે પિતાએ જ બે જોડિયા પુત્રીઓનું ગળું કાપી કરી હત્યા
કાનપુર હચમચી ગયું! નૌબસ્તાના ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રવિવારે વહેલી સવારે સર્જાઈ ભયાનક દુર્ઘટના : લોહીથી લથપથ દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયાઃ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ

કાનપુર,તા.૨૦ફ ઉત્તર પ્રદેશના કાનપુરમાં માનવતા મરી પરવારી હોય તેવી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. નૌબસ્તા વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રવિવારની વહેલી સવારે એક પિતાએ જ પોતાની ૧૧ વર્ષની બે માસૂમ જોડિયા દીકરીઓની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર કાનપુર શહેરને હચમચાવી દીધું છે.
આ ભયાનક ઘટના રવિવારે સવારે અંદાજે ૪:૩૦ વાગ્યે પ્રકાશમાં આવી જ્યારે પોલીસને UP-112 દ્વારા માહિતી મળી. જ્યારે પોલીસની ટીમ ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટના એ ઘરમાં પ્રવેશી ત્યારે દ્રશ્ય જોઈને કઠણ કાળજાના અધિકારીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા. બંને માસૂમ બાળકીઓના મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યા હતા. તેમના ગળા પર કોઈ તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા, જે પિતાની ક્રૂરતાની ચાડી ખાતા હતા.
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી લોહીના નમૂના અને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે કે આખરે કયા કારણોસર એક પિતા પોતાની જ વ્હાલસોયી દીકરીઓનો કાળ બની ગયો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક વિખવાદ કે માનસિક સ્થિતિ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે સત્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
