તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
નાગપુરમાં મધરાતે ‘ખૂની ખેલ’: દારૂ ન મળતા ઉશ્કેરાયેલા યુવાનોએ બારમાં મચાવ્યું તાંડવ, 18 બોટલો તોડી મેનેજરને લોહીલુહાણ કરી નાખ્યો!
માનેવાડા ચોકના એસકે બારમાં છાકટા બનેલા શખ્સોનો આતંક: કાઉન્ટર પર ચડીને દારૂની ભારે બોટલો ફેંકી, હિંસક હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા શહેરમાં ચકચાર

નાગપુર : મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. નાગપુરના માનેવાડા ચોક વિસ્તારમાં આવેલા 'એસકે બાર'માં મધરાતે દારૂ પીવા આવેલા યુવાનોના એક જૂથે દારૂ ન મળવાના સામાન્ય મુદ્દે એવો હોબાળો મચાવ્યો કે આખું બાર રણમેદાનમાં ફેરવાઈ ગયું. આ હિંસક હુમલામાં બારના મેનેજરને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તોડફોડને કારણે માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.
સીસીટીવીમાં કેદ થયો મોતનો લાઈવ ખેલ
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે જ્યારે બારનો સ્ટાફ કામ પતાવીને બાર બંધ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે અચાનક યુવાનોનું એક ટોળું અંદર ધસી આવ્યું હતું. દારૂ આપવાની ના પાડતા જ આ યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને મેનેજર પર તૂટી પડ્યા હતા. પોતાનો જીવ બચાવવા મેનેજર કાઉન્ટરની પાછળ સંતાવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ આતંકી બનેલા યુવાનોએ કાઉન્ટર પર ચડીને દારૂની ભરેલી બોટલો તેના પર ફેંકવાનું શરૂ કર્યું હતું.
18 બોટલો તોડી, સ્ટાફને લાતો અને થપ્પડો મારી
હુમલાખોરોનો ગુસ્સો એટલો પ્રબળ હતો કે તેમણે એક મિનિટથી પણ ઓછા સમયમાં કાઉન્ટર પર પડેલી કુલ 18 મોંઘીદાટ દારૂની બોટલો તોડી નાખી હતી. જેવી બોટલો તૂટી, કાચના ટુકડા અને દારૂથી આખું ફ્લોર ભરાઈ ગયું હતું. આ શખ્સોએ માત્ર તોડફોડ જ નહીં, પણ ત્યાં હાજર અન્ય સ્ટાફ મેમ્બરોને પણ લાતો અને થપ્પડો મારીને ભગાડી દીધા હતા. વિડીયોના અંતમાં મેનેજર ફાટેલા કપડાં અને માથાથી પગ સુધી લોહીલુહાણ હાલતમાં ઊભો રહેવા મથતો જોવા મળે છે.
વધતી જતી અરાજકતાથી લોકોમાં ફફડાટ
આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હોવા છતાં, હજુ સુધી આ મામલે કોઈ કડક કાનૂની કાર્યવાહી કે ધરપકડ થઈ હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા નથી. સરાજાહેર થયેલા આ હુમલાએ નાગપુરના વેપારીઓ અને રાત્રિના સમયે કામ કરતા લોકોમાં ડરનો માહોલ પેદા કર્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે સામાન્ય નાગરિકો માટે પોતાના ધંધાના સ્થળે સુરક્ષિત રહેવું પણ મુશ્કેલ બની ગયું છે? પોલીસે હવે આ વાયરલ વિડીયોના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હોવાનું મનાય છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
