<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

દૂધ, દહીં, પનીર, કઠોળ, ઈંડાં અને માછલીના ભાવમાં વધારો થતાં સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું પશુઆહાર અને ઘાસચારાની મોંઘવારીની વ્યાપક અસર

અપૂરતો વરસાદ અને ઇથેનોલના ઉત્પાદન માટે મકાઈનો વધતો ઉપયોગ મોંઘવારી માટે જવાબદારઃ પૌષ્ટિક ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવાનું સામાન્ય પ્રજા માટે વધુ ખર્ચાળ બન્યું

નવી દિલ્હી, તા. ૨૫ : દેશમાં હવે પ્રોટીનયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીએ ચિંતા વધારી છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દૂધ, માખણ, દહીં, પનીર, ઈંડાં, માંસ, માછલી અને કઠોળ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં અપૂરતા વરસાદની અસર પશુઆહારના ઉત્પાદન ઉપર પડી છે.

 

ઉદ્યોગના આંકડા અનુસાર એપ્રિલમાં મકાઈનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂ. ૨૨ની આસપાસ હતો, જે સપ્ટેમ્બરમાં વધીને લગભગ રૂ. ૨૭ સુધી પહોંચ્યો હતો. સરસવના ખોળનો ભાવ પણ રૂ. ૨૪થી વધીને રૂ. ૩૨ની આસપાસ પહોંચ્યો છે.

 

ઇથેનોલના ઉત્પાદન માટે મકાઈનો વધતો ઉપયોગ પણ પશુઆહારના ભાવ વધવા પાછળનું એક કારણ હોવાનું નિષ્ણાતો માને છે. સોયાબીન અને ચોખાના ભૂસાના ભાવમાં વધારાથી પણ ઉત્પાદન ખર્ચ વધ્યો છે.

 

પશુપાલકો અને મરઘાં ઉછેર કેન્દ્રોના સંચાલકો ઉપર વધેલા આર્થિક બોજની અસર ગ્રાહકો ઉપર પડી રહી છે. ઓક્ટોબરમાં દેશનો ખાદ્ય મોંઘવારીનો દર ૮.૯૪ ટકા પહોંચ્યો છે. ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે પૌષ્ટિક આહારનો ખર્ચ વધ્યો છે. 

(9:45 AM IST)