<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછળ કરોડોનું આંધણ છતાં વળતર શૂન્ય: વિશ્વના ૫૫ ટકા કોર્પોરેટ ડિરેક્ટરો માને છે કે AIથી કંપનીઓને હજુ સુધી કોઈ મોટો આર્થિક ફાયદો થયો નથી

​વૈશ્વિક સ્તરના ૨૪ દેશોની ૧૩૦ અગ્રણી કંપનીઓના સંચાલકો પર કરાયેલા આંતરરાષ્ટ્રીય સર્વેમાં ચોંકાવનારો ખુલાસો; એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર ખર્ચ ઘટાડવા પૂરતો સીમિત રહ્યો હોવાનો અને મોટાભાગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યૂહરચના અંગે ગંભીરતા ન દાખવતા હોવાનો ગંભીર દાવો

​બાર્સિલોના / નવી દિલ્હી : ​આજના આધુનિક સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વિરાટ દબદબો જોવા મળી રહ્યો છે અને તેને વ્યવસાયનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યું છે, ત્યારે કોર્પોરેટ જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત 'આઈએસઈ વિઝનેસ સ્કૂલ' (IESE Business School) દ્વારા કરવામાં આવેલા તાજેતરના એક વૈશ્વિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે વિશ્વભરની બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી ૫૫ ટકાથી વધુ સંચાલકોનું માનવું છે કે એઆઈ પાછળના ભારે રોકાણ અને વ્યાપક ચર્ચાઓ છતાં તેનાથી વ્યવસાયને કોઈ નોંધપાત્ર આર્થિક કે વ્યાપારી લાભ (સિગ્નિફિકન્ટ બિઝનેસ વેલ્યુ) મળી રહ્યો નથી.

​'કોર્પોરેટ ગવર્નન્સ ઇન અ કોન્ટેક્સ્ટ ઓફ ડિસ્રપ્શન: ૨૦૨૬ IESE સર્વે ઓન બોર્ડ્સ ઓફ ડિરેક્ટર્સ' શીર્ષક હેઠળ રજૂ કરાયેલા આ વિગતવાર અહેવાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વાસ્તવિક અમલીકરણ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આઈઈએસઈ સેન્ટર ફોર કોર્પોરેટ ગવર્નન્સ દ્વારા ઓક્ટોબર ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વના ૨૪ દેશો અને ૧૮ અલગ-અલગ ઉદ્યોગો સાથે જોડાયેલી ૧૩૦ જેટલી જાણીતી કંપનીઓના સીઈઓ (CEO) અને બોર્ડ મેમ્બર્સના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

​એઆઈનો ઉપયોગ માત્ર ખર્ચ કાપવા પૂરતો સીમિત

અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કંપનીઓ દ્વારા એઆઈનો ઉપયોગ નવા વ્યવસાયિક અવનવા અવસરો ઊભા કરવા માટે કરવાને બદલે માત્ર રૂટિન કામગીરીમાં ખર્ચ ઘટાડવા (૫૨ ટકા) અને ગ્રાહક સેવા સુધારવા (૪૭ ટકા) પૂરતો જ કરવામાં આવી રહ્યો છે. નવા બિઝનેસ મોડલ કે નવી તકો સર્જવા માટે એઆઈનો ઉપયોગ કરનારી કંપનીઓનું પ્રમાણ માત્ર ૩૦ ટકા જ છે. આ સિવાય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એઆઈ ટેકનોલોજીના અમલીકરણમાં સંડોવણી પણ ખૂબ નબળી જોવા મળી છે. માત્ર ૧૫ ટકા બોર્ડ જ એવા છે જે પોતાની દરેક બેઠકમાં એઆઈને લગતા પડકારો કે વ્યૂહરચના પર ચર્ચા કરે છે, જ્યારે ૩૬ ટકા કંપનીઓ વર્ષમાં માત્ર એક જ વાર આ વિષય પર ધ્યાન આપે છે. સર્વેમાં સામેલ ૩૮ ટકા સંચાલકોએ સ્વીકાર્યું હતું કે એઆઈ વ્યૂહરચના નક્કી કરવામાં બોર્ડની સક્રિયતા ઘણી ઓછી છે.

​ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને સ્વદેશી બજાર પર ધ્યાન

વિશ્વમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય (જીઓપોલિટિકલ) તણાવ અને અસ્થિરતા અંગે પણ અહેવાલમાં મહત્વની વિગતો આપાઈ છે. બોર્ડ મેમ્બર્સ માટે સરકારોની બિનઅસરકારક નીતિઓ (૨૫ ટકા), પ્રોટેક્શનિઝમ અથવા વેપાર સંરક્ષણવાદી નીતિઓ (૨૨ ટકા) અને રાષ્ટ્રવાદી ચળવળો (૧૬ ટકા) મોટી ચિંતાનો વિષય છે. આ વૈશ્વિક અસ્થિરતાને કારણે ૭૨ ટકા કંપનીઓએ હવે વિદેશી સાહસોને બદલે પોતાના હોમ રિજન એટલે કે સ્વદેશી કે સ્થાનિક વિસ્તારોમાં જ કારોબાર કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. જોકે, ૫૯ ટકા કંપનીઓ યુરોપિયન યુનિયનમાં અને ૧ ટકા કંપનીઓ અમેરિકામાં રોકાણ વધારી રહી છે, પરંતુ ૩૯ ટકા બોર્ડ મેમ્બર્સનું માનવું છે કે ચીનમાંથી પોતાનો કારોબાર સંપૂર્ણપણે સમલેટી લેવો એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

​પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી પ્રત્યે કટિબદ્ધતા

અમેરિકામાં રાજકીય સ્તરે પર્યાવરણીય મુદ્દાઓ પર જોવા મળેલા પીછેહઠના વલણ અને યુરોપિયન કમિશન દ્વારા નીતિઓમાં કરાયેલા સરળીકરણ છતાં મોટાભાગની કંપનીઓ સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ) પ્રત્યે ગંભીર છે. ૬૧ ટકા કંપનીઓએ તેમના બિઝનેસ મોડલમાં પર્યાવરણીય લક્ષ્યાંકો અને મેટ્રિક્સનો સમાવેશ કર્યો છે. કંપનીઓ હવે કામગીરીની સામાજિક અસરો (૭૬ ટકા), કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ (૬૧ ટકા), વર્ષ ૨૦૫૦ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન (૫૮ ટકા) અને સર્ક્યુલર ઈકોનોમી (૫૪ ટકા) પર ભાર મૂકી રહી છે.

​શેરધારકો સાથેના સંબંધો અને નેતૃત્વના પડકારો

બોર્ડ અને શેરધારકો વચ્ચેની ચર્ચામાં હવે માત્ર નાણાકીય આંકડાઓ જ નહીં પરંતુ વ્યૂહાત્મક વિષયો મુખ્ય બન્યા છે. જેમાં મર્જર અને એકવિઝિશન (૭૮ ટકા), સીઈઓની ઉત્તરાધિકાર પ્રક્રિયા (૭૬ ટકા), બોર્ડની રચના (૭૦ ટકા) અને ટેકનોલોજી તથા સાયબર સિક્યોરિટી (૬૫ ટકા) જેવા વિષયો પર સૌથી વધુ ચર્ચા થાય છે. આ સિવાય, સીઈઓ બદલવાની કે નવા નેતૃત્વની પસંદગીની પ્રક્રિયામાં હજુ પણ ૬૭ ટકા કંપનીઓમાં ગંભીરતા કે ઉતાવળનો અભાવ, ૫૪ ટકા કંપનીઓમાં સ્પષ્ટ સિદ્ધાંતોનો અભાવ અને ૪૮ ટકા કિસ્સાઓમાં સીઈઓ તથા બોર્ડ વચ્ચેના અતિશય અંગત સંબંધો જેવી મોટી ક્ષતિઓ સામે આવી છે.

​પ્રોફેસર જોર્ડી કેનાલ્સ, ગાઈઝકા ઓર્માઝાબાલ અને ફ્રાન્સિસ્ક એમ. અરીબાસ દ્વારા તૈયાર કરાયેલો આ અહેવાલ દર્શાવે છે કે ટેકનોલોજીકલ પરિવર્તનના આ યુગમાં માત્ર નવી ટેકનોલોજી અપનાવી લેવાથી સફળતા મળતી નથી, પરંતુ તેના યોગ્ય આયોજન અને સુદ્રઢ કોર્પોરેટ ગવર્નન્સ વગર વ્યવસાયિક મૂલ્ય ઊભું કરવું અશક્ય છે.

(1:05 PM IST)