News of Wednesday, 21st October 2026
અમેરિકામાં ભ્રષ્ટાચાર પકડાવનારને કરોડોનું ઇનામ: સરકારી નાણાંની ઉચાપતનો પર્દાફાશ કરનારને મોટું ઇનામ : ટ્રમ્પે એક ટકા સુધી પુરસ્કાર આપવાની જાહેરાત કરી
ભ્રષ્ટાચારવિરોધી યોજના માટે ૨.૫ કરોડ ડોલરનું ભંડોળ : એક અબજ ડોલરની ગેરરીતિ પકડાય તો એક કરોડ ડોલર સુધી ઇનામ મળવાની સંભાવના

વોશિંગ્ટન, તા. ૨૧ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડી બહાર લાવનાર નાગરિકોને આર્થિક ઇનામ આપવાની નવી યોજના જાહેર કરી છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા સંચાલિત યોજનામાં પ્રાથમિક ઇનામ ઉપરાંત મોટી ગેરરીતિઓના કિસ્સામાં એક ટકા સુધી પુરસ્કાર આપવાની જોગવાઈ અંગે જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી નાણાંની ચોરી, ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી માટે નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ ખાતે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની હાજરીમાં આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
યોજનાનો મુખ્ય હેતુ અમેરિકાના કરદાતાઓના નાણાંનો દુરુપયોગ અટકાવવાનો અને સરકારી યોજનાઓમાં ચાલતી છેતરપિંડી અંગે મહત્વપૂર્ણ પુરાવા આપનાર લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.
અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ માટે શરૂઆતમાં ૨.૫ કરોડ ડોલરનું ભંડોળ રાખવામાં આવ્યું છે. પ્રારંભિક તબક્કાના ઇનામમાં ૩૦ હજાર ડોલર સુધીની રકમનો ઉલ્લેખ છે. મોટી નાણાકીય ગેરરીતિ બહાર આવવાના કિસ્સામાં એક ટકા સુધી ઇનામ મળવાની સંભાવના પણ ટ્રમ્પે વ્યક્ત કરી હતી.
આ ગણતરી પ્રમાણે એક અબજ ડોલરની ગેરરીતિ બહાર આવે અને તેના એક ટકા જેટલું ઇનામ મંજૂર થાય તો તે એક કરોડ ડોલર જેટલું થઈ શકે છે. જોકે માત્ર ફરિયાદ નોંધાવવાથી આ રકમ મળવાની નથી. ફરિયાદ વિશ્વસનીય હોવી, મૂળ માહિતી અને પુરાવા રજૂ કરેલા હોવા તથા તેના આધારે કાયદાકીય કાર્યવાહી શક્ય બનવી જરૂરી છે.
અમેરિકાના ન્યાય વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ આરોગ્ય સેવાઓ, વૃદ્ધો તથા દર્દીઓની સંભાળ, બાળકોની દેખરેખ, બેરોજગારી સહાય, શિક્ષણ સહાય અને અન્ય સંઘીય સરકારી યોજનાઓમાં થતી છેતરપિંડી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
કાર્યક્રમની જાહેરાત દરમિયાન ટ્રમ્પે યુટ્યુબર નિક શર્લીને ૧૦ હજાર ડોલરનો ચેક પણ આપ્યો હતો. મિનેસોટાની બાળસંભાળ યોજનાઓમાં કથિત ગેરરીતિ અંગે શર્લીએ કરેલી તપાસને અગાઉથી વ્યાપક પ્રસિદ્ધિ મળી હતી.
(9:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
