<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

નિષાદ અને મલ્લાહ જાતિને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાની માંગ સાથે મંત્રી સંજય નિષાદે કર્યો હાઇવે બ્લોક: ધરણાથી મચી ગયો હોબાળો

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં અધિકાર મહાસંમેલન બાદ કેબિનેટ મંત્રી અને સમર્થકોએ નેશનલ હાઈવે પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

મહારાજગંજ : ઉત્તર પ્રદેશમાં નિષાદ અને મલ્લાહ સમુદાયને અનુસૂચિત જાતિ (SC) માં સમાવિષ્ટ કરવાની માંગણીને લઈને કેબિનેટ મંત્રી તથા નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. સંજય નિષાદે મંગળવારે મહારાજગંજ જિલ્લાના ફરેન્ડા વિસ્તારમાં પોતાના સમર્થકો સાથે ગોરખપુર-સોનૌલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક ધરણા પર બેસીને રસ્તો બ્લોક કરી દીધો હતો.

 

ઉદિતપુરમાં આયોજિત ભવ્ય અધિકાર મહાસંમેલન બાદ મંત્રી ડૉ. સંજય નિષાદની આગેવાનીમાં સેંકડો કાર્યકરોએ કૂચ કરી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે હાઈવે પર બેસી જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો, જેના કારણે માર્ગની બંને બાજુ બે કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ હતી.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસડીએમ ફરેન્ડા અને સીઓ નૌતનવા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને મંત્રીને વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવા માટે સમજાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ મંત્રી પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા.

 

ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે ફોન પર થયેલી ચર્ચા દરમિયાન આગામી સમયમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરીને આ મુદ્દે સકારાત્મક ચર્ચા કરવાની ખાતરી મળ્યા બાદ લગભગ દોઢ કલાક સુધી ચાલેલું આ વિરોધ પ્રદર્શન સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું.

 

પ્રદર્શન બાદ નિવેદન આપતા ડૉ. સંજય નિષાદે સ્પષ્ટ કર્યું હતું કે આ વિરોધ સરકારનું ધ્યાન દોરવા માટે હતો અને જો માછીમાર સમુદાયના બંધારણીય અધિકારો અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આ લડાઈને રાજધાની લખનૌ સુધી લઈ જવામાં આવશે.

 

હાલમાં પોલીસે હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવી દીધો છે, પરંતુ માછીમાર સમુદાયના અનામત અને સામાજિક સુરક્ષાના આ મુદ્દાને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(7:35 PM IST)