તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
મંત્રીજીની કથની અને કરણીમાં ફેર: પીએમની અપીલ વચ્ચે ૧૫ વાહનોનો કાફલો જોઈ કોંગ્રેસ લાલઘૂમ
પેટ્રોલ-ડીઝલ બચાવવાની સલાહ આપનારા પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર સિંહ લોધી પોતે જ લક્ઝરી વાહનોના લાંબા કાફલા સાથે નીકળતા ખંડવામાં ભારે હોબાળો : પોલીસે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરતા મામલો ગરમાયો

ખંડવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની ભાવુક અપીલ વચ્ચે મધ્યપ્રદેશના મંત્રી ધર્મેન્દ્ર સિંહ લોધીના શાહી કાફલાએ રાજકીય વિવાદ છેડ્યો છે. ખંડવાના પ્રભારી મંત્રી જ્યારે ૧૫થી વધુ વાહનોના કાફલા સાથે શહેરમાંથી પસાર થયા, ત્યારે લોકોમાં કુતૂહલ અને વિપક્ષમાં રોષ જોવા મળ્યો હતો. જે મંત્રીએ થોડા સમય પહેલા જ જનતાને પેટ્રોલ બચાવવા માટે 'કારપૂલિંગ' અને ઓછા વાહનો વાપરવાની શિખામણ આપી હતી, તેમના જ કાફલામાં સરકારી તેલનો ધુમાડો થતો જોઈ કોંગ્રેસે આક્રમક તેવર અપનાવ્યા હતા.
કોંગ્રેસના નેતા દીપક મુલ્લુ રાઠોડ અને કાર્યકર્તાઓએ મંત્રીના કાફલાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ જનતાને સાયકલ ચલાવવાનું કહે છે અને પોતે રસાલા સાથે ફરે છે. સ્થિતિ વણસતા પોલીસે ત્રણ સ્ટેશનના ટીઆઈ સહિતનો કાફલો ઉતારી કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી. નેતાઓએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં ભાજપના તમામ પ્રતિનિધિઓના વાહનો રોકી તેમને પીએમની અપીલ મુજબ સાયકલ પર ફરવા મજબૂર કરવામાં આવશે.
બીજી તરફ, વિવાદ વધતા મંત્રી લોધીએ બચાવમાં જણાવ્યું હતું કે તેમણે પોતે જ કલેક્ટરને વાહનોની સંખ્યા ઘટાડવા સૂચના આપી હતી. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અંગે ચર્ચા કરવાની ખાતરી આપી હતી, જોકે કોંગ્રેસના વિરોધને તેમણે ગંભીરતાથી લેવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા લોકો મંત્રીની શિખામણ અને વાસ્તવિક વર્તન વચ્ચેના તફાવત પર સવાલો ઉઠાવી રહ્યા છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
