તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલા પાકિસ્તાનમાં જનતાને મામૂલી રાહત: પેટ્રોલ-ડીઝલના ભાવમાં લીટરે ₹૬નો ઘટાડો કરાયો, છતાં કિંમત ₹૪૦૦ને પાર!
માર્ચ અને એપ્રિલમાં કમરતોડ ભાવવધારો ઝીંક્યા બાદ શાહબાઝ સરકારે વ્હારે આવી હોવાનો કર્યો ડોળ; ઇંધણના આસમાને પહોંચેલા ભાવથી પાડોશી દેશ હજુ પણ ત્રાહિમામ

ઇસ્લામાબાદ: ભયંકર આર્થિક સંકટ, આસમાને આંબતી મોંઘવારી અને વૈશ્વિક તણાવ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ઈંધણના ભાવને લઈને એક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સરકારે જનતા પરનો બોજ થોડો ઓછો કરવાનો દાવો કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર આશરે ૬ રૂપિયાનો મામૂલી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જોકે, આ આંતરરાષ્ટ્રીય સ્તરના દબાણ વચ્ચે કરાયેલો ઘટાડો સમુદ્રમાં એક ટીપા સમાન છે, કારણ કે આ કપાત બાદ પણ પાકિસ્તાનમાં સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલ ખરીદવું લોઢાના ચણા ચાવવા બરાબર છે.
પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા નવા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બાદ હવે નવો ભાવ ૪૦૩.૭૮ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યો છે. બીજી તરફ, હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ની કિંમતમાં પ્રતિ લીટર ૬.૮૦ રૂપિયાનો ઘટાડો કરાતા તેનો નવો ભાવ હવે ૪૦૨.૭૮ રૂપિયા પ્રતિ લીટર થયો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ એવો સમયગાળો છે જ્યારે ઈંધણના ભાવ સતત ૪૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે.
માર્ચ-એપ્રિલમાં ઝીંકાયો હતો કમરતોડ ભાવવધારો
ઉલ્લેખનીય છે કે, એશિયામાં સર્જાયેલી યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાન સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકઝાટકે પ્રતિ લીટર ૫૫ રૂપિયાનો ઐતિહાસિક વધારો ઝીંકી દીધો હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં પણ સરકારે ક્રૂરતા દાખવીને પેટ્રોલ ૪૩ ટકા અને ડીઝલ ૫૫ ટકા સુધી મોંઘું કરી દીધું હતું. હાલ સરકારે દર શુક્રવારે ઈંધણના ભાવોની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે.
ભારતની સ્થિતિ પાકિસ્તાન કરતાં ઘણી મજબૂત
એક તરફ જ્યાં પાકિસ્તાને યુદ્ધની સ્થિતિ શરૂ થતાની સાથે જ પોતાની જનતા પર મોંઘવારીનો કોરડો વીંઝ્યો હતો, ત્યાં ભારતે વૈશ્વિક કટોકટી હોવા છતાં લાંબા સમય સુધી ઈંધણના ભાવ સ્થિર રાખ્યા હતા અને પોતાની જનતાને સુરક્ષિત રાખી હતી. જોકે, વૈશ્વિક બજારના બદલાતા સમીકરણોને કારણે છેલ્લા ૧૦ દિવસમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે, પરંતુ પાકિસ્તાનની સરખામણીએ ભારતમાં સ્થિતિ ઘણી જ નિયંત્રણમાં અને સામાન્ય નાગરિકોને પરવડે તેવી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
