News of Thursday, 30th April 2026
દિલ્હી-NCRમાં કુદરતની કરામત: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, ઉસ્માનપુર અને બ્રહ્મપુરીમાં બરફના કરા પડતા રસ્તાઓ સફેદ ચાદરથી ઢંકાયા
ભીષણ હીટવેવ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો; તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા તાપમાનમાં ધરખમ ઘટાડો, દિલ્હીવાસીઓને મળી મોટી રાહત

નવી દિલ્હી, તા.30: દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને લૂ (Heatwave) માંથી લોકોને આજે કુદરતી રાહત મળી છે. ગુરુવારે બપોર બાદ દિલ્હી-NCR ના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને જોતજોતામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. તેજ ગતિએ ફૂંકાયેલા પવન અને ગાજવીજ સાથે દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
વરસાદ સાથે કરાની રમઝટ
પૂર્વી દિલ્હીના ઉસ્માનપુર અને બ્રહ્મપુરી જેવા વિસ્તારોમાં તો જાણે કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. અહીં વરસાદની સાથે જોરદાર ઓલાવૃષ્ટિ (કરા) થઈ હતી, જેના કારણે રસ્તાઓ પર બરફના થર જામી ગયા હતા. આ સિવાય ગાઝિયાબાદના સાહિબાબાદમાં પણ કરા પડ્યા હોવાના અહેવાલ છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ગરમીનો પારો નીચે ઉતરી ગયો છે અને લોકોને બફારામાંથી મુક્તિ મળી છે.
શું કહે છે હવામાન વિભાગ?
હવામાન વિભાગ (IMD) ની આગાહી સાચી સાબિત થઈ છે. નિષ્ણાતોના મતે ઉત્તર-પશ્ચિમ ભારત પર સક્રિય થયેલું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે વાતાવરણમાં આ અસ્થિરતા સર્જાઈ છે. જોકે, કરા પડવાને કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે રહેવાની શક્યતા છે.
આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ, શુક્રવાર અને શનિવારે આકાશ સાફ રહી શકે છે, પરંતુ રવિવારથી ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે 5 મે સુધી ફરીથી વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ બની શકે છે. અત્યારે સમગ્ર દેશમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં એક બાજુ પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યાં બીજી બાજુ આવા વરસાદી માહોલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
