News of Thursday, 25th June 2026
વિજ્ઞાનનો ચમત્કાર: ૨,૦૦૦ વર્ષ જૂના અને બળીને રાખ થયેલા રોમન સ્ક્રોલને ખોલ્યા વિના જ AI ની મદદથી વાંચવામાં સંશોધકોને મળી ઐતિહાસિક સફળતા!
માઉન્ટ વેસુવિયસના જ્વાળામુખીમાં રાખ બનેલા પેપિરસના ૨૦ સ્તંભો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એક્સ-રે ટેકનોલોજીથી ઉકેલાયા; સ્ટોઇક ફિલસૂફી અને ગ્રીક દાર્શનિકોના અતિ પ્રાચીન રહસ્યો પરથી ઊંચકાયો પડદો

નેપલ્સ : માનવ ઇતિહાસ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી વૈજ્ઞાનિકોએ એક એવો અશક્ય ચમત્કાર કરી બતાવ્યો છે, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઇટાલીના માઉન્ટ વેસુવિયસ (Mount Vesuvius) જ્વાળામુખીના ભયાનક વિસ્ફોટમાં બળીને કોલસો થઈ ગયેલા એક અત્યંત પ્રાચીન પેપિરસ સ્ક્રોલ (હસ્તપ્રત) ને વૈજ્ઞાનિકોએ ભૌતિક રીતે ખોલ્યા વગર, માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી 'વર્ચ્યુઅલી' ખોલીને વાંચવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સળગી ગયેલા આ દસ્તાવેજમાંથી અગાઉ ક્યારેય ન જોવાયેલા પ્રાચીન જ્ઞાનના ૨૦ સ્તંભો (Columns) શોધી કાઢવામાં આવ્યા છે.
સમયના વહેણમાં વિખેરાઈ ગયેલો અમૂલ્ય વારસો
'PHerc 1667' તરીકે ઓળખાતો આ દસ્તાવેજ અંદાજે બીજી કે ત્રીજી સદીના અંતનો છે. ઈસવીસન ૭૯માં જ્યારે જ્વાળામુખી ફાટ્યો, ત્યારે પોમ્પેઈ શહેરની સાથે નાશ પામેલા રોમન શહેર 'હર્ક્યુલેનિયમ' (Herculaneum) ની એક લાઈબ્રેરીમાંથી આ સ્ક્રોલ મળી આવ્યું હતું. સદીઓ સુધી દટાયેલું રહેવાને કારણે આ સ્ક્રોલ અડધું તૂટી ગયું હતું અને અગાઉ તેને ખોલવાના પ્રયાસોમાં તેના બાહ્ય પડ ભીંસાઈને વિખેરાઈ ગયા હતા. આજે આ ઐતિહાસિક દસ્તાવેજનો માત્ર ૮ સેમી ઊંચો અને ૨ સેમી પહોળો ટુકડો જ બચ્યો છે, જેને નષ્ટ થયા વિના વાંચવો અશક્ય હતો.
'વેસુવિયસ ચેલેન્જ' અને મશીન લર્નિંગની કમાલ
નેપલ્સમાં આયોજિત એક ગ્લોબલ કોન્ફરન્સમાં આ મોટી સફળતાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સિદ્ધિ 'વેસુવિયસ ચેલેન્જ' (Vesuvius Challenge) નામના એક વૈશ્વિક પ્રોજેક્ટ હેઠળ મળી છે, જેની શરૂઆત વર્ષ ૨૦૨૩માં આ બળેલા સ્ક્રોલ્સ ઉકેલવા માટે કરાઈ હતી. કેન્ટુકી યુનિવર્સિટીના પ્રોફેસર બ્રેન્ટ સીલ્સે સાબિત કર્યું કે, મશીન-લર્નિંગ અલ્ગોરિધમ્સ ઉચ્ચ-રિઝોલ્યુશન એક્સ-રે સ્કેન (X-ray Scan) દ્વારા પેપિરસના રેસામાં રહેલા સૂક્ષ્મ તફાવતો અને તેના પર લખેલી પ્રાચીન શાહીના નિશાનોને ઓળખી શકે છે. સિલિકોન વેલીના અબજોપતિ દાતાઓના ફંડિંગથી વૈશ્વિક ટીમોએ આ ટેકનોલોજીને વધુ સચોટ બનાવી છે.
પ્રાચીન સ્ટોઇક ફિલસૂફીના રહસ્યો આવ્યા સામે
નેપલ્સ ફેડેરિકો II યુનિવર્સિટીના જાણીતા પેપિરોલોજિસ્ટ ડૉ. ફેડેરિકા નિકોલાર્ડીએ જણાવ્યું કે, આ લખાણ ગ્રીક ફિલસૂફ ક્રાયસિપ્પસ (Chrysippus) દ્વારા લખાયેલું 'સ્ટોઇક ગ્રંથ' (Stoic Text) હોવાનું જણાય છે, જેમાં તેમના વિદ્યાર્થી એરિસ્ટોક્રીઓનનો પણ ઉલ્લેખ છે.
· માનવ સ્વભાવની ફિલોસોફી: આ દસ્તાવેજમાં માનવીય આવેગ (Horme) અને વ્યવહારિક શાણપણ (Phronesis) ની વિગતો છે. તેમાં ચેતવણી અપાઈ છે કે જો માણસનું વર્તન બુદ્ધિ કે તર્ક દ્વારા સંચાલિત ન હોય, તો તે નુકસાનકારક આક્રોશ કે જુસ્સા તરફ દોરી જાય છે.
· નવા પુસ્તકની શોધ: સંશોધકોએ આવા જ બીજા એક વર્ચ્યુઅલી ખોલેલા સ્ક્રોલ પર "ફિલોડેમસ, ઓન ગોડ્સ, બુક 8" શબ્દો પણ શોધી કાઢ્યા છે. આનાથી ઇતિહાસમાં પહેલીવાર સાબિત થયું છે કે 'ઓન ગોડ્સ' એ એક બહુ-પુસ્તક શ્રેણી હતી, જ્યારે અત્યાર સુધી દુનિયા માત્ર તેના પ્રથમ પુસ્તક વિશે જ જાણતી હતી.
ડૉ. નિકોલાર્ડીએ ભારે ઉત્સાહ સાથે ઉમેર્યું કે, "આ ન ખોલાયેલા સ્ક્રોલ્સ અત્યાર સુધી મૃત પુસ્તકો જેવા દેખાતા હતા, પરંતુ હવે ટેકનોલોજીના કારણે આ પ્રાચીન ગ્રંથોએ ફરીથી બોલવાનું શરૂ કર્યું છે." જ્યારે પ્રોફેસર બ્રેન્ટ સીલ્સે આ સફળતાને પોતાની જિંદગીનો 'વર્લ્ડ કપ' જીતવા સમાન ગણાવી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
