<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કેન્સર સામેના જંગમાં વિજ્ઞાનનો ચમત્કાર: હવે ૨ કલાકના બદલે માત્ર ૬૦ સેકન્ડમાં થશે સારવાર! બ્રિટનની NHS એ લોન્ચ કર્યું દુનિયાનું પ્રથમ 'વન મિનિટ' ઈન્જેક્શન

૧૪ પ્રકારના કેન્સરના દર્દીઓ માટે સંજીવની સમાન નવી ટેકનોલોજી: હોસ્પિટલના લાંબા રોકાણમાંથી મળશે મુક્તિ, ફેફસાં, સ્તન અને ગરદનના કેન્સર સામે ઈમ્યુનોથેરાપી હવે વીજળીક વેગે કામ કરશે

લંડન : તબીબી જગતમાં એક એવી ક્રાંતિ આવી છે જે કેન્સરના હજારો દર્દીઓનું જીવન બદલી નાખશે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ એક એવું ઈન્જેક્શન લોન્ચ કર્યું છે જે અત્યાર સુધી કલાકો સુધી ચાલતી 'કિમોથેરાપી' કે 'ઈન્ફ્યુઝન' પ્રક્રિયાને માત્ર ૧ મિનિટ (૬૦ સેકન્ડ) માં પૂરી કરી દેશે. આ નવી પદ્ધતિથી સારવારના સમયમાં ૯૦% નો ઘટાડો થશે, જેનાથી દર્દીઓ હોસ્પિટલમાં સમય બગાડવાને બદલે પોતાનું સામાન્ય જીવન જીવી શકશે.
કેવી રીતે કામ કરે છે આ 'મેજિક જેબ'?
'પેમ્બ્રોલિઝુમેબ' (Pembrolizumab) નામનું આ ઈન્જેક્શન, જે 'કીટ્રુડા' (Keytruda) બ્રાન્ડ નામથી ઓળખાય છે, તે હકીકતમાં એક પ્રકારની ઈમ્યુનોથેરાપી છે. તે શરીરના રોગપ્રતિકારક કોષોને કેન્સરના કોષોને ઓળખવા અને તેના પર હુમલો કરવાનું શીખવે છે. અત્યાર સુધી આ દવા નસ (IV) દ્વારા આપવામાં આવતી હતી, જેમાં બે કલાક જેટલો સમય જતો હતો. હવે તેને પેટ અથવા જાંઘની ચામડીની નીચે સીધું ઈન્જેક્શન દ્વારા આપી શકાશે.
દર્દીઓના અનુભવે બદલી દુનિયા
૮૯ વર્ષીય શિર્લે ઝર્કસીસ આ નવી પદ્ધતિથી સારવાર લેનાર પ્રથમ દર્દીઓમાંના એક છે. તેમણે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, "મને વિશ્વાસ જ નથી આવતો કે આટલી જલ્દી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાને બદલે હવે હું ગણતરીની મિનિટોમાં ફ્રી થઈ જાઉં છું. આનાથી મને મારા બગીચામાં કામ કરવા માટે અને જીવન જીવવા માટે વધુ સમય મળે છે."
૧૪ પ્રકારના કેન્સર પર પ્રભાવી
આ ઈન્જેક્શન માત્ર એક જ નહીં પણ ફેફસાં, સ્તન, ગરદન, માથું અને ગર્ભાશયના કેન્સર સહિત ૧૪ અલગ-અલગ પ્રકારના કેન્સર સામે અસરકારક છે. દર વર્ષે હજારો દર્દીઓને આનો લાભ મળશે. આનાથી માત્ર દર્દીઓને જ નહીં, પણ હોસ્પિટલના સ્ટાફને પણ મોટી રાહત મળશે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં મદદ મળશે.
સાવચેતી અને આડઅસરો
જોકે આ સારવાર ખૂબ જ ઝડપી છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેમાં કેટલીક આડઅસરો પણ હોઈ શકે છે, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ અથવા થાઈરોઈડની સમસ્યા. પરંતુ આ અસરો નસ દ્વારા અપાતી દવાઓમાં પણ જોવા મળે છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે આને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે અને કહ્યું છે કે, "કેન્સર સર્વાઈવર તરીકે હું જાણું છું કે ઝડપી સારવારનું મૂલ્ય શું છે. આ નવા સંશોધનથી અમે દરેક મિનિટ અને દરેક પૈસાનો સદુપયોગ કરીને વધુ જીવ બચાવી શકીશું."

(8:19 PM IST)