<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

TMC સાંસદ મહુઆ મોઇત્રા સાથે ફ્લાઇટમાં ગેરવર્તન : મુસાફરોએ સાંસદને ઉશ્કેરવા વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા

લોકોએ દરવાજા ખુલતા પહેલા જ મોઇત્રાને ઉકસાવવા માટે 'જય શ્રી રામ' અને 'ટીએમસી ચોર' જેવા વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા :સાંસદે ઇન્ડિગો એરલાઇન્સને 7 પાનાની લેખિત ફરિયાદ મોકલી: આરોપીઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવા માંગ

પશ્ચિમ બંગાળના TMC સાંસદ મહુઆ મોઇત્રાએ ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરો દ્વારા ગેરવર્તણૂક અને સુરક્ષા ભંગનો આક્ષેપ કર્યો છે. કોલકાતાથી દિલ્હી જતી વખતે કેટલાક લોકોએ તેમને નિશાન બનાવી 'ચોર-ચોર' ના નારા લગાવ્યા હતા. મોઇત્રાએ આ ઘટનાને તેમનું 'ઉત્પીડન' ગણાવી એરલાઇન્સને 7 પાનાની ફરિયાદ કરી છે અને જવાબદારોને 'નો-ફ્લાય લિસ્ટ' માં મૂકવાની માગ કરી છે.

પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠકના લોકસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મહુઆ મોઈત્રા ફલાઇટમાં ગેરવર્તનનો શિકાર બન્યા હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ગુરુવારે કોલકાતાથી દિલ્હી જતી ઇન્ડિગો (6E 719) ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન કેટલાક શખ્સોએ તેમની સાથે ગેરવર્તણૂક કરી અને સુરક્ષાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ સાંસદે કર્યો છે.

મહુઆ મોઇત્રા સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપવા દિલ્હી જઈ રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, જ્યારે તેઓ સીટ નંબર 1F પર બેઠા હતા, ત્યારે 4 થી 6 લોકોનું ટોળું તેમને ઘૂરતું નીકળ્યું હતું. ફ્લાઇટ લેન્ડ થયા બાદ આ લોકોએ દરવાજા ખુલતા પહેલા જ મોઇત્રાને ઉકસાવવા માટે 'જય શ્રી રામ' અને 'ટીએમસી ચોર' જેવા વાંધાજનક સૂત્રોચ્ચાર કર્યા હતા.

સાંસદે આ ઘટનાને સામાન્ય નાગરિકોનો ગુસ્સો ગણવાનો ઇનકાર કર્યો છે અને તેને સ્પષ્ટપણે 'ઉત્પીડન' અને ફ્લાઇટની અંદર સુરક્ષાનો ભંગ ગણાવ્યો છે. તેમણે ઇન્ડિગો એરલાઇન્સને 7 પાનાની ઔપચારિક ફરિયાદ પત્ર મોકલી આરોપી મુસાફરોને 'નો-ફ્લાય લિસ્ટ'માં મૂકવા અને ક્રૂ રિપોર્ટ જાહેર કરવા માગ કરી છે.

મહુઆ મોઇત્રાએ આ ઘટનાને ભાજપની સંસ્કૃતિ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં તેમણે આ વાત પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ જ્યારે સંઘીઓ દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો ત્યારે તેમણે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. તેમણે આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને ટેગ કરીને કડક કાર્યવાહીની અપીલ કરી છે.

(11:59 PM IST)