<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ચૂકી ગયા કે કેન્સલ થઈ? હવે ચિંતા છોડો, રિફંડ માટે આવ્યા નવા કડક નિયમો; મુસાફરોના અધિકારોનું થશે રક્ષણ

દુબઈ સિવિલ એવિએશનની નવી ગાઈડલાઈન: ફ્લાઈટ મોડી પડે તો એરલાઈન્સે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવી પડશે - ટ્રાવેલ એજન્ટોની જવાબદારી પણ નક્કી કરાઈ

દુબઈ,: દુબઈથી મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટી (DCAA) એ મુસાફરોના હિતમાં 'એવિએશન કન્ઝ્યુમર વેલફેર ડાયરેક્ટિવ' નામની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમો મુજબ, જો તમારી ફ્લાઈટ મોડી પડે, કેન્સલ થાય અથવા કોઈ વિક્ષેપ આવે, તો એરલાઈન્સે મુસાફરોને રિફંડ, રિબુકિંગ અને અન્ય સુવિધાઓ આપવી ફરજિયાત રહેશે.
રિફંડ અને અન્ય વિકલ્પોની સ્પષ્ટતા
નવા નિયમો હેઠળ, જો ફ્લાઈટમાં કોઈ સમસ્યા સર્જાય, તો એરલાઈન્સે મુસાફરને નીચે મુજબના વિકલ્પો આપવા પડશે:
•    બીજી ઉપલબ્ધ ફ્લાઈટમાં તરત જ બુકિંગ કરી આપવું.
•    શક્ય હોય તો બીજી એરલાઈન્સ દ્વારા મુસાફરીની વ્યવસ્થા કરવી.
•    જો મુસાફર મુસાફરી કરવા ન માંગતા હોય, તો ટિકિટના પૈસા પૂરેપૂરા પાછા (Full Refund) આપવા અથવા એટલી રકમનું વાઉચર આપવું.
લાંબી રાહ જોવી પડે તો એરલાઈન્સ ખર્ચ ઉઠાવશે
જો ફ્લાઈટમાં વધુ વિલંબ થાય, તો એરલાઈન્સે મુસાફરોને મફત ભોજન, પીણું અને વાતચીત કરવા માટે સુવિધા આપવી પડશે. જો મુસાફરોને રાત રોકાવવાની જરૂર પડે, તો હોટલ સ્ટે અને એરપોર્ટથી હોટલ સુધી જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ એરલાઈને જ કરી આપવાની રહેશે. આ ઉપરાંત, દિવ્યાંગ મુસાફરો, એકલા મુસાફરી કરતા બાળકો અને વડીલોને પ્રાથમિકતાના ધોરણે મદદ પૂરી પાડવી પડશે.
બુકિંગ સમયે જ બધી વિગતો આપવી પડશે
હવેથી એરલાઈન્સ કે ટ્રાવેલ એજન્ટોએ ટિકિટ બુકિંગ વખતે જ ટિકિટના કુલ ભાવ, કેન્સલેશનના નિયમો, સામાન (Baggage) ની મર્યાદા અને સ્ટોપઓવરની તમામ વિગતો સ્પષ્ટપણે જણાવવી પડશે. જો કુદરતી હોનારત કે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ફ્લાઈટ પ્રભાવિત થાય, તો વળતર ફરજિયાત નથી, પરંતુ મુસાફરોને ૭૨ કલાક સુધી જરૂરી સહાય આપવાની જવાબદારી એરલાઈન્સની રહેશે.
દુબઈના આ નિર્ણયથી ખાસ કરીને ભારતથી દુબઈ જતા પ્રવાસીઓ અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટ લેતા મુસાફરોને મોટી રાહત મળશે અને એરલાઈન્સની મનમાની પર લગામ આવશે.

(7:44 PM IST)