<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં મિસાઇલ હુમલાથી ધડાકા : હૂતી બળવાખોરોની પાંચ બેલિસ્ટિક મિસાઇલો તોડી પાડ્યાનો સાઉદીનો દાવો: હૂતી બળવાખોરોએ સાઉદીના પૂર્વીય વિસ્તારમાં આવેલા રાસ તનુરા રિફાઇનરીને નિશાન બનાવ્યાનો દાવો

રિયાધ સહિત અનેક વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણીથી ફફડાટ : યમનના હૂતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે ફરી યુદ્ધની જ્વાળાઓ ભભૂકી

રિયાધ  : મધ્યપૂર્વમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આજે મંગળવારે મિસાઇલ હુમલાની ચેતવણી બાદ એક પછી એક જોરદાર ધડાકા સંભળાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ રિયાધમાં ઓછામાં ઓછા ચાર ધડાકા સંભળાયા હતા.

 

સાઉદી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે યમનના ઈરાનસમર્થિત હૂતી બળવાખોરોએ છોડેલી બે બેલિસ્ટિક મિસાઇલો રિયાધ નજીક હવાઈ સંરક્ષણ વ્યવસ્થા દ્વારા તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દેશના પૂર્વીય વિસ્તાર તરફ છોડાયેલી અન્ય ત્રણ બેલિસ્ટિક મિસાઇલો પણ નષ્ટ કરવામાં આવી હતી.

 

સાઉદી સરકારે રિયાધ ઉપરાંત અભા, નજરાન અને ખામિસ મુશૈત સહિતના વિસ્તારોમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરી હતી. જોકે ત્યારબાદ ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિ કે નુકસાન અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

 

બીજી તરફ હૂતી બળવાખોરોએ સાઉદીના પૂર્વીય વિસ્તારમાં આવેલા રાસ તનુરા રિફાઇનરીને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો. 

 

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી યમન અને સાઉદી અરેબિયા વચ્ચે હુમલા અને વળતા હુમલાઓ વધ્યા છે. અગાઉ રિયાધના આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપર થયેલા હુમલામાં જાનહાનિ પણ નોંધાઈ હતી. તાજેતરની ઘટનાઓના કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે. 

(10:35 PM IST)