તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
જોર્ડનમાં અમેરિકી મિલિટ્રી બેઝ પર મિસાઈલ વર્ષા: યુએસ ફાઈટર જેટ્સ તબાહ થયાનો ઈરાનનો સનસનાટીપૂર્ણ દાવો
પશ્ચિમ એશિયામાં યુદ્ધની ચરમસીમા વચ્ચે IRGCએ 'ઓપરેશન નસર ૨' હેઠળ જોર્ડનમાં ઘૂસીને અમેરિકી સૈન્ય એરક્રાફ્ટ અને એર રિફ્યુઅલિંગ સિસ્ટમને નિશાન બનાવી હોવાની જાહેરાત કરી

નવી દિલ્હી : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું સૈન્ય યુદ્ધ હવે પડોશી દેશોની સરહદો વટાવી ચૂક્યું છે. ઈરાનની સેના IRGC એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર ‘ઓપરેશન નસર ૨’ અંતર્ગત અત્યંત ઘાતક બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે. ઈરાનનો દાવો છે કે આ એરસ્ટ્રાઈકમાં અમેરિકાના કેટલાક અત્યાધુનિક ફાઈટર જેટ્સ અને હવામાં જ ઈંધણ ભરનારા એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટનો નાશ કરવામાં આવ્યો છે. જોકે, વ્હાઇટ હાઉસ કે જોર્ડન પ્રશાસન દ્વારા આ સૈન્ય નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ, આ સનસનાટીપૂર્ણ દાવાના ગણતરીના કલાકો પહેલા જ જોર્ડનની સેનાએ દાવો કર્યો હતો કે તેમણે પોતાની હવાઈ સરહદમાં ઘૂસેલી ઈરાનની ત્રણ મિસાઈલોને સફળતાપૂર્વક તોડી પાડી છે, જેના કારણે જમીન પર કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિનું નુકસાન થયું નથી. આ સૈન્ય સંઘર્ષની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગત રાત્રે યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવા માટે બંદર અબ્બાસ, બુશેહર અને કેશ્મ ટાપુ સહિતના વ્યૂહાત્મક વિસ્તારો પર શ્રેણીબદ્ધ બોમ્બમારો કર્યો હતો. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકી હુમલામાં સૈન્ય મથકો ઉપરાંત ઈરાનશહર એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને નાગરિક પુલોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
પશ્ચિમ એશિયાની આ ભયાનક સ્થિતિ પર વૈશ્વિક રક્ષા નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ ચેતવણી આપી હતી કે જો તેહરાન પરમાણુ વાટાઘાટોના ટેબલ પર પાછું નહીં ફરે તો ઈરાનના વીજ મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નસ્ત કરી દેવાશે. તો સામે પક્ષે, યુએસ સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દબદબો ઓછો થયો હોવાના સેટેલાઇટ પુરાવા જાહેર કરીને દબાણ વધાર્યું છે. જોર્ડનમાં થયેલો આ તાજેતરનો હુમલો આ પ્રદેશને સંપૂર્ણ સૈન્ય કટોકટી અને મહાયુદ્ધ તરફ ધકેલી રહ્યો છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
