તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મહાબદલાવ બાદ મિથુન ચક્રવર્તીની સિંહગર્જના: સુવેન્દુ અધિકારીને ગણાવ્યા ભવિષ્યના શ્રેષ્ઠ મુખ્યમંત્રી, મમતા બેનર્જીની ટીએમસીને સીધો પડકાર
બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ સીએમ સુવેન્દુ અધિકારીએ 'મહાનાયક'ના નિવાસ્થાને કરી મુલાકાત; સુપરસ્ટાર મિથુને કહ્યું- "લોકોને ગેરંટી આપું છું, તેમનાથી સારો કોઈ મુખ્યમંત્રી હોઈ શકે જ નહીં"

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં સત્તા પરિવર્તન બાદ હવે એક નવો રોમાંચક અધ્યાય શરૂ થયો છે. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળની સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ, નવનિર્વાચિત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શનિવારે પોતાના જિલ્લા પ્રવાસની શરૂઆત કરતા પહેલા કોલકાતાના ન્યુ ટાઉન સ્થિત બોલીવુડ અને કોલીવુડના સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. બંને દિગ્ગજો વચ્ચે બંધ બારણે લગભગ એક કલાક સુધી ચાલેલી આ હાઈ-પ્રોફાઈલ બેઠકે બંગાળના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.
આ બેઠક બાદ ન્યૂઝ એજન્સી 'IANS' સાથે ખાસ વાતચીત કરતી વખતે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તીએ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની પીઠ થાબડતા તેમને ભવિષ્યના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા હતા. મિથુન દાએ સિંહગર્જના કરતા કહ્યું કે, "હું પશ્ચિમ બંગાળની જનતાને પૂરી ખાતરી આપી શકું છું કે સુવેન્દુથી સારો કોઈ મુખ્યમંત્રી આ રાજ્ય માટે હોઈ શકે નહીં. તેઓ બંગાળના કલ્યાણ માટે પહેલા દિવસથી જ દિવસ-રાત સખત મહેનત કરી રહ્યા છે."
પરિવર્તનના શિલ્પી: સુવેન્દુ અધિકારીએ માન્યો મિથુન દાનો આભાર
બીજી તરફ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પણ પક્ષ અને રાજ્યમાં પરિવર્તન લાવવા માટે મિથુન ચક્રવર્તીના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "મિથુન દા પાછલા 5-6 વર્ષથી પક્ષ માટે અવિરત કામ કરી રહ્યા છે. તેઓ બંગાળમાં થયેલા આ ઐતિહાસિક રાજકીય પરિવર્તનના મુખ્ય સૂત્રધાર છે. હું આજે અહીં હૃદયપૂર્વક તેમના આશીર્વાદ લેવા અને ભવિષ્યની લોકકલ્યાણની યોજનાઓ પર ચર્ચા કરવા આવ્યો હતો." ભાજપના અન્ય નેતાઓએ આ મુલાકાતને સૌહાર્દપૂર્ણ ગણાવી મિથુનની ચૂંટણી પ્રચારની ઝંઝાવતી ભૂમિકાને બિરદાવી હતી.
'ધ બંગાળ ફાઇલ્સ' અને મિથુનનો પ્રચંડ પ્રચાર
તાજેતરમાં જ ભારે તબિયત લથડ્યા બાદ પણ મિથુન ચક્રવર્તીએ પોતાની નાદુરસ્ત તબિયત અને થાકને બાજુ પર મૂકીને સમગ્ર ઉત્તર અને દક્ષિણ બંગાળમાં ભાજપ માટે જોરદાર પ્રચાર કર્યો હતો, જેનો પક્ષને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત, મિથુન ચક્રવર્તી તાજેતરમાં જ વિવાદાસ્પદ અને ચકચારી ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની સુપરહિટ ફિલ્મ "ધ બંગાળ ફાઇલ્સ" માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 1946 ના કોલકાતાના રમખાણો (ડાયરેક્ટ એક્શન ડે) ની પૃષ્ઠભૂમિ પર આધારિત આ રાજકીય ડ્રામા ફિલ્મમાં મમતા બેનર્જીની ટીએમસી સરકાર વિરૂદ્ધ સીધા કટાક્ષો કરવામાં આવ્યા હતા, જેણે બંગાળની જનતાના માનસ પર ઊંડી છાપ છોડી હતી.
બંગાળમાં હવે નવી આશાનું કિરણ:
પશ્ચિમ બંગાળ અત્યારે વર્ષોના શાસન બાદ એક નવો પરિવર્તનનો પવન અનુભવી રહ્યું છે. વિરોધ પક્ષો અને જનતાનો આક્ષેપ હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસનમાં બંગાળમાં ભ્રષ્ટાચાર અને અરાજકતા સિવાય કોઈ નોંધપાત્ર સુધારો થયો નહોતો. હવે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકારે સત્તા સંભાળતા જ રાજ્ય પર પકડ મજબૂત કરી છે અને બંગાળના વિકાસ માટે ન્યાયની આશા જાગી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
