<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

મોબાઈલ પ્રેમીઓને મોંઘવારીનો ડામ: ભારતમાં સ્માર્ટફોન કંપનીઓએ કિંમતોમાં કર્યો ધરખમ વધારો, OnePlus અને Xiaomi સહિતના ફોન રૂ. 6,000 સુધી થયા મોંઘા

મેમરી ચિપ્સની અછત અને AI ટેકનોલોજીની વધતી માંગને પગલે સ્માર્ટફોન માર્કેટમાં ભાવવધારો ઝીંકાયો: મિડ-રેન્જથી લઈને પ્રીમિયમ વેરિઅન્ટ્સ ખરીદવા માટે હવે ગ્રાહકોએ ખિસ્સા વધુ હળવા કરવા પડશે

નવી દિલ્હી : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં નવા મોબાઈલ ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. Xiaomi, Realme અને OnePlus જેવી અગ્રણી કંપનીઓએ તેમના લોકપ્રિય હેન્ડસેટ્સની કિંમતોમાં રૂ. 1,000 થી લઈને રૂ. 6,000 સુધીનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારો મુખ્યત્વે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ચિપ્સના ભાવમાં થયેલા વધારાને આભારી છે. ટેક કંપનીઓ અત્યારે ડેટા સેન્ટરો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે વધુ RAM અને GPU ચિપ્સનો ઉપયોગ કરી રહી હોવાથી સ્માર્ટફોન ઉત્પાદકોને જરૂરી સ્પેરપાર્ટ્સની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

OnePlus દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં OnePlus 15 અને OnePlus 15R મોડલ્સ સૌથી વધુ પ્રભાવિત થયા છે. OnePlus 15 ના બેઝ વેરિઅન્ટની કિંમત હવે વધીને રૂ. 77,999 થઈ ગઈ છે, જ્યારે તેના ટોપ મોડલમાં સીધો રૂ. 6,000નો વધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે Realme એ પણ તેના છ જેટલા સ્માર્ટફોન પર ભાવ વધાર્યો છે, જેમાં Realme 16 Pro સિરીઝના ફોન સામેલ છે. લગભગ દરેક સ્ટોરેજ વેરિઅન્ટમાં રૂ. 1,000 નો વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ગ્રાહકોના બજેટ પર પડશે.

ઉદ્યોગના નિષ્ણાતોના મતે સપ્લાય ચેઈનમાં સર્જાયેલા અવરોધો અને હાઈ-બેન્ડવિડ્થ મેમરી સોલ્યુશન્સ તરફ વધેલા ઝુકાવને કારણે આગામી સમયમાં અન્ય બ્રાન્ડ્સ પણ આ ભાવવધારાને અનુસરે તેવી શક્યતા છે. ખાસ કરીને મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં આર્થિક બોજ વધતા ગ્રાહકો હવે જૂના મોડલ્સ અથવા સેકન્ડ હેન્ડ ફોન તરફ વળે તેવી પણ સંભાવના છે. હાલમાં નવી કિંમતો કંપનીઓના સત્તાવાર પોર્ટલ પર અપડેટ થઈ ચૂકી છે, જે મુજબ હવે નવો ફોન ખરીદવો તે એક મોંઘો સોદો સાબિત થશે.

(11:45 AM IST)