તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે જૂની પરંપરાનું મહત્વ: પૂર્વાજો ઘરોને માટી અને ગાયના છાણથી કેમ પ્લાસ્ટર કરતા હતા? કારણો જાણીને દંગ રહી જશો!
ફિનાઈલ અને કેમિકલ કલર કરતાં પણ વધુ સુરક્ષિત હતું દેશી ગાર-પ્લાસ્ટર; આ ગ્રીન ટેકનોલોજી ઘરને ઉનાળામાં એસી જેવી ઠંડક અને શિયાળામાં રાખતી હતી હૂંફાળું

નવી દિલ્હી, તા.૦૩: આજના આધુનિક યુગમાં આપણે આપણા ઘરની દિવાલોને મોંઘા અને કેમિકલયુક્ત રંગોથી સજાવીએ છીએ અને ફ્લોરને ચમકાવવા તેમજ બેક્ટેરિયા મુક્ત કરવા માટે બજારમાં મળતા વિવિધ પ્રકારના ફિનાઇલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો આપણે થોડા દાયકા પાછળ નજર કરીએ, તો ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાં ઘરોની દિવાલો અને ભોંયતળિયાને નિયમિતપણે માટી અને ગાયના છાણ (ગોબર) થી લીંપવામાં (પ્લાસ્ટર કરવામાં) આવતા હતા. જો કે, શહેરીકરણના કારણે ગામડાઓમાંથી પણ આ પરંપરા હવે ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે, પરંતુ પ્રાચીન સમયમાં ઘરને આ રીતે પ્લાસ્ટર કરવું એ માત્ર એક પરંપરા નહોતી; તેની પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો છુપાયેલા હતા.
આ દેશી પ્લાસ્ટર બનાવવામાં માટી, ગાયના છાણ અને સુકા ઘાસ અથવા ભૂસા (સ્ટ્રો) ના મિશ્રણનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયમાં જ્યારે ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ નહોતી, ત્યારે આ મિશ્રણ ઘરો માટે કુદરતી 'થર્મલ ઇન્સ્યુલેશન' (તાપમાન નિયંત્રક) તરીકે કામ કરતું હતું. આજે જ્યારે સિમેન્ટના બનેલા આધુનિક મકાનો મે અને જૂનની કાળઝાળ ગરમીમાં ભઠ્ઠીની જેમ તપવા લાગે છે, ત્યારે ગાયના છાણ અને માટીથી લીંપેલા ઘરો સૂર્યના તાપ સામે રક્ષણ આપી અંદરનું તાપમાન એકદમ ઠંડુ રાખતા હતા. આ જ રીતે, શિયાળાની ઋતુમાં તે બહારની કાતિલ ઠંડી હવાને ઘરમાં પ્રવેશતી રોકીને અંદર હૂંફાળું વાતાવરણ જાળવી રાખતું હતું.
મજબૂતાઈ, ધૂળથી રક્ષણ અને જંતુનાશક ગુણોનો સમન્વય
જૂના જમાનામાં મોટાભાગના કાચા મકાનો માટીના બનેલા હોવાથી વરસાદ અને સમય જતાં દિવાલોમાં તિરાડો પડવાનું કે નબળી પડવાનું જોખમ રહેતું હતું. આ મિશ્રણથી નિયમિત ગાર કે પ્લાસ્ટર કરવાથી દિવાલોને લાંબા સમય સુધી અદભુત મજબૂતાઈ મળતી હતી. આ ઉપરાંત, ઘરોમાં આજની જેમ ટાઇલ્સ કે આરસપહાણ ન હોવાથી માટીના ફ્લોર પર ચાલતી વખતે કે ઝાડુ મારતી વખતે ધૂળ ન ઉડે તે માટે ગાયના છાણનું લીંપણ એક પાકું સ્તર તૈયાર કરતું હતું, જેનાથી પગ પણ સ્વચ્છ રહેતા હતા.
સૌથી મહત્વની વાત એ છે કે, માટીના ફ્લોર પરના નાના-નાના છિદ્રોમાં કીડી, મકોડા, કરોળિયા કે અન્ય ઝીણા જંતુઓ સરળતાથી છુપાઈ જતા હોય છે. માટી અને ગાયના છાણનું લીંપણ આ તમામ છિદ્રોને સંપૂર્ણપણે બંધ કરી દેતું હતું. આ ઉપરાંત ગાયના છાણમાં કુદરતી 'એન્ટિમાઇક્રોબાયલ' અને જંતુનાશક ગુણધર્મો હોવાથી તે ઘરમાં હાનિકારક બેક્ટેરિયા અને જીવાતોને પેદા થતા અટકાવતું હતું અને ઘરને કુદરતી રીતે જ સેનિટાઈઝ રાખતું હતું.
આ સામગ્રી પ્રકૃતિમાંથી જ તદ્દન મફત અને સરળતાથી મળી રહેતી હોવાથી તે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી (પર્યાવરણને અનુકૂળ) હતી, જે માનવ સ્વાસ્થ્ય કે પ્રકૃતિને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના ઘરને સુરક્ષિત અને પવિત્ર રાખતી હતી.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
