<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

દિલ્હીમાં યુનિવર્સિટીના ૧૦,૦૦૦ છાત્રો માટે આધુનિક અને સુરક્ષિત હોસ્ટેલ બનશે: મુખ્યમંત્રી રેખા ગુપ્તાની મોટી જાહેરાત

સત્ય નિકેતન હોસ્ટેલ દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય; પરવડે તેવા ભાડામાં દેશભરના વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક ભોજન અને સુરક્ષિત આવાસની મજબૂત નીતિ આકાર પામશે

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં દેશભરમાંથી અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારે એક અત્યંત મહત્વનો અને આશ્વાસનદાયક નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, દિલ્હીની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતા ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ સુરક્ષિત નવી સરકારી હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર સરકારે પહેલેથી જ કામ શરૂ કરી દીધું છે.

 

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, આ પ્રોજેક્ટ માટે યોગ્ય જમીન, આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટ્સ અને વિસ્તૃત હોસ્ટેલ નીતિ તૈયાર કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ થઈ ગઈ છે. દિલ્હીની કોઈપણ યુનિવર્સિટી કે કોલેજમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ આ પરવડે તેવી સુવિધાનો લાભ લઈ શકશે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશભરના વાલીઓ પોતાના બાળકોને પૂર્ણ માનસિક શાંતિ અને સુરક્ષા સાથે અહીં રાખી શકશે, જેથી વિદ્યાર્થીઓ ભોજન કે રહેઠાણની ચિંતા છોડીને માત્ર પોતાના અભ્યાસ અને સપનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

 

નોંધનીય છે કે, સરકારે આ મહત્વકાંક્ષી પગલું તાજેતરમાં ૬ સપ્ટેમ્બરના રોજ દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક સત્ય નિકેતનમાં બનેલી દર્દનાક હોસ્ટેલ દુર્ઘટના બાદ લીધું છે. પાંચ માળની એક ખાનગી બોયઝ હોસ્ટેલની ઇમારત ધસી પડતાં પાંચ વિદ્યાર્થીઓ અને બે મજૂરો સહિત સાત લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ખાનગી પીજી અને હોસ્ટેલોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના જવાબરૂપે હવે દિલ્હી સરકાર પોતે ૧૦,૦૦૦ સુસજ્જ છાત્રાલયોનું નિર્માણ કરવા જઈ રહી છે.

(6:38 PM IST)