તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
બંગાળમાં પરિવર્તનનો ‘મોદી શંખનાદ’: પ્રથમ તબક્કાના ભારે મતદાને TMC ના ‘મહા જંગલ રાજ’ ના અંત પર મારી મહોર; પીએમ મોદીએ કહ્યું- ‘પરિવર્તન હવે નક્કી છે’
પાનિહાટીની રેલીમાં પીએમ મોદીના આકરા પ્રહાર; આરજી કાર પીડિતાની માતાને સ્ટેજ પર સ્થાન આપી મહિલા સુરક્ષાનો મુદ્દો ગજવ્યો; 4 મે પછી ‘અત્યાચારની ફાઇલો’ ખોલવાની આપી ગેરંટી

કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ઐતિહાસિક 93% મતદાને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર 24 પરગણા જિલ્લાના પાનિહાટીમાં એક વિશાળ જનસભાને સંબોધતા દાવો કર્યો હતો કે, ગઈકાલના મતદાને મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC સરકારના પતનનો સંકેત આપી દીધો છે. મોદીએ ગર્જના કરી હતી કે બંગાળમાં હવે "પરિવર્તનની લહેર" નહીં પણ સુનામી છે, જે TMC ના ભ્રષ્ટાચાર અને જંગલ રાજને ઉખેડી ફેંકશે.
“લોકશાહીના મંદિરનું થશે પુનર્નિર્માણ”
પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભાવનાત્મક અને રાજકીય પ્રહારો કરતા કહ્યું કે, "બંગાળમાં ટીએમસીએ પોતાની સરમુખત્યારશાહીથી લોકશાહીના મંદિરને કચડી નાખ્યું હતું, પરંતુ જનતાએ પ્રથમ તબક્કાના મતદાનથી તેનું પુનર્નિર્માણ શરૂ કરી દીધું છે." તેમણે બીજા તબક્કાના મતદાનમાં ભાજપના વિજયનો ધ્વજ લહેરાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું. મોદીએ આરોપ લગાવ્યો હતો કે પ્રથમ તબક્કાના રુઝાનથી TMC ફાળ પડી છે અને તેથી જ તેમના ગુંડાઓ હવે ભાજપના કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મહિલા સુરક્ષા અને ‘મોદીની ગેરંટી’
આ રેલીની સૌથી ખાસ વાત એ હતી કે પીએમ મોદીએ સ્ટેજ પર આરજી કાર હોસ્પિટલની પીડિતાની માતા રત્ના દેબનાથ અને સંદેશખલીની પીડિતાઓને સ્થાન આપ્યું હતું. ટીએમસીને 'મહિલા વિરોધી' પક્ષ ગણાવતા પીએમએ કહ્યું, "જે માતાની દીકરીને ટીએમસીના શાસનમાં છીનવી લેવામાં આવી, અમે તે માતાને ઉમેદવાર બનાવી છે." તેમણે ગેરંટી આપી હતી કે 4 મેના રોજ પરિણામો આવ્યા બાદ, મહિલાઓ પર થયેલા દરેક અત્યાચારની ફાઈલો ફરીથી ખોલવામાં આવશે અને દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે.
ઉદ્યોગોનું પતન અને મધ્યમ વર્ગને રાહત
બંગાળના ઔદ્યોગિક વારસાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે આખું ભારત રોજગાર માટે કોલકાતા આવતું હતું, પરંતુ આજે TMC ના ‘સિન્ડિકેટ રાજ’ ને કારણે યુવાનો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તેમણે મધ્યમ વર્ગને આકર્ષતા કેન્દ્ર સરકારના કર રાહત પગલાંનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે 2 લાખની મર્યાદાથી વધીને હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત થઈ છે. તેમણે વચન આપ્યું કે ભાજપ સરકાર બંગાળના શહેરો અને MSME સેક્ટરનો પુનરુધ્ધાર કરશે.
“પલટાનો દોરકર, ચાઈ ભાજપ સરકાર”
પીએમ મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યાદ કરીને બંગાળની જનતાને નવી ક્રાંતિ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "બંગાળ કહી રહ્યું છે - પરિવર્તન જરૂરી છે, ભાજપ સરકાર જોઈએ છે." પીએમ મોદીની આ રેલીએ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
