તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
મોદીભક્ત મુસ્લિમ યુવક પર હુમલાનો મામલો: દિલ્હીમાં 'હું મુસ્લિમ છું, મોદીનો ચાહક છું'ના પોસ્ટર સાથે યુવકનું અનોખું વિરોધ પ્રદર્શન
કાશ્મીરી યુવક ફહીમ નઝીર પર હુમલાની ઘટના બાદ પૂર્વ પ્રોફેસર અને સામાજિક કાર્યકર મોહમ્મદ ફૈઝ મેદાનમાં આવ્યા; કોંગ્રેસના કાર્યકરો સામે આકરા પ્રહારો

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં શુક્રવારે બનેલી એક ઘટના બાદ શનિવારે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. દિલ્હીમાં કાશ્મીરી યુવક પર થયેલા હુમલાના વિરોધમાં અને પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે મોહમ્મદ ફૈઝ નામના એક મુસ્લિમ યુવકે હાથમાં પોસ્ટર લઈને દિલ્હીની શેરીઓમાં ફરીને અનોખું પ્રદર્શન કર્યું હતું. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, "હું મુસ્લિમ છું, મોદીજીનો ચાહક છું, અને હું મારા પર હુમલો કરનારા કોંગ્રેસના ગુંડાઓથી ડરતો નથી."
આ સમગ્ર વિવાદની શરૂઆત શુક્રવારે થઈ હતી, જ્યારે ફહીમ નઝીર નામના કાશ્મીરી યુવકે આરોપ લગાવ્યો હતો કે તે કનોટ પ્લેસ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમર્થક હોવાનું કહેતા કોંગ્રેસના કાર્યકરોએ તેના પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. યુવકનો આરોપ હતો કે તેણે દેશ અને સુરક્ષા દળોના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેનાથી ગુસ્સે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ તેને જમીન પર ખેંચીને માર માર્યો હતો. આ મામલે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાના વિરોધમાં મેદાનમાં આવેલા મોહમ્મદ ફૈઝ પોતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન 'મુસ્લિમ રાષ્ટ્રીય મંચ'ના ગૌ સેવા સેલના રાષ્ટ્રીય સંયોજક અને સામાજિક કાર્યકર છે. મૂળ છત્તીસગઢના રાયપુરના વતની અને અગાઉ સરકારી કોલેજમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર રહી ચૂકેલા ફૈઝે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, "કોંગ્રેસે વર્ષોથી મુસ્લિમોના મત લીધા પરંતુ તેમના માટે કંઈ કર્યું નહીં. હવે જ્યારે મુસ્લિમ યુવકો વડાપ્રધાન મોદીના સમર્થક બની રહ્યા છે, તો કોંગ્રેસના ગુંડાઓ તેમનો પીછો કરીને હુમલા કરી રહ્યા છે."
ફૈઝે વધુમાં કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગીના નેતાને મત આપવાનો અધિકાર છે, પરંતુ જો મોદીના સમર્થન કરવા બદલ આ રીતે હુમલા થતા હોય તો તે ચલાવી લેવાય નહીં. તેમણે ખુલ્લેઆમ પડકાર ફેંકતા કહ્યું કે તેઓ પણ મુસ્લિમ છે અને મોદીજીના ચાહક છે, જો હિંમત હોય તો તેમના પર પણ હુમલો કરી જુઓ, તેઓ આવા હુમલાખોરોથી બિલકુલ ડરતા નથી. આ અનોખા વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
