<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

મોદી સરકારે EDને આપી દીધો સુપરપાવરઃ ગ્રાઉન્‍ડ ફોર્સ થશે બમણાથી વધુ

કૌભાંડીઓની હવે ખેર નથી! : હવે EDમાં અધિકારીઓની સંખ્‍યા ત્રણ ગણી કરી દેવામાં આવી છે. એ નક્કી છે કે મોટા-મોટા કૌભાંડીઓની ગરદન હવે ટૂંક સમયમાં જ ફસાતી જોવા મળશે

નવી દિલ્‍હી,તા.૨૮: વિપક્ષ વારંવાર શોરબકોર મચાવે છે કે, EDને સરકારે વિપક્ષી નેતાઓની પાછળ લગાડી રાખી છે. આમ છતાં સરકારે જાહેરાત કરી દીધી છે કે જે ગેરરીતિ કરશે, તે દંડાશે. સરકારે EDની તાકાત અચાનક વધારી દીધી છે. હકીકતમાં સરકારે EDમાં મોટા પાયે કેડર રિસ્‍ટ્રક્‍ચરિગને મંજૂરી આપી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે મોટી સંખ્‍યામાં EDમાં અધિકારીઓની તહેનાતી કરવામાં આવશે. આ વધારો કોઈ નાનો-મોટો નથી, પરંતુ બમણો-ત્રણ ગણો થઈ ગયો છે. હવે EDમાં મોટા અધિકારીઓથી લઈને ગ્રાઉન્‍ડ પર જઈને રેડ પાડનારા અધિકારીઓ સુધી, બધાની ફોજ મોટી થવા જઈ રહી છે.

નવી વ્‍યવસ્‍થા હેઠળ સૌથી વધુ વધારો ડેપ્‍યુટી ડાયરેક્‍ટર, આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર, એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરના પદોમાં કરવામાં આવ્‍યો છે. સરકારનું કહેવું છે કે, વધતા જતા કેસો અને તપાસના વ્‍યાપને જોતા EDની ક્ષમતા મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ આદેશ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ જાહેર કરવામાં આવ્‍યો છે અને તેનો ખર્ચ EDના વર્તમાન બજેટમાંથી જ ઉઠાવવામાં આવશે.

એડિશનલ ડાયરેક્‍ટરના પદ ૧૦થી વધારીને ૨૪ કરવામાં આવ્‍યા છે.

જોઈન્‍ટ ડાયરેક્‍ટરના પદ ૨૮થી વધારીને ૪૯ કરવામાં આવ્‍યા છે.

ડેપ્‍યુટી ડાયરેક્‍ટરના પદ ૧૪૮થી વધારીને ૨૬૭ કરી દેવામાં આવ્‍યા છે.

આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટરના પદ ૨૫૫થી વધારીને ૫૩૧ કરવામાં આવ્‍યા છે.

એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરના પદ ૩૫૫થી વધારીને ૬૦૬ કરવામાં આવ્‍યા છે.

આસિસ્‍ટન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરના પદ ૪૨૫થી વધારીને ૮૦૩ કરી દેવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત EDની લીગલ ટીમમાં પણ ભારે મેનપાવર આપવામાં આવ્‍યો છે. એડજ્‍યુડીકેશન, સિસ્‍ટમ, સિક્‍યુરિટી અને સપોર્ટ સ્‍ટાફ કેડરમાં પણ કેટલાય નવા પદો મંજૂર કરવામાં આવ્‍યા છે.

ગ્રાઉન્‍ડ ફોર્સ થઈ બમણાથી પણ વધુ આ આંકડાને ધ્‍યાનથી જુઓ. સૌથી વધુ વધારો ક્‍યાં થયો છે? ડેપ્‍યુટી ડાયરેક્‍ટર, આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર, એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરના પદો પર. આ એવા લોકો છે જેઓ માત્ર ફાઈલોમાં સહી નથી કરતા, પરંતુ કોર્ટ-કચેરીની દોડધામ સંભાળે છે, મની લોન્‍ડ્રિંગના પુરાવા શોધે છે, રેડ પાડવા જાય છે અને આરોપીઓની પૂછપરછની કમાન સંભાળે છે.

આ ઉપરાંત, વાત માત્ર અધિકારીઓ સુધી સીમિત નથી. સરકારે EDના લીગલ, એડજ્‍યુડીકેશન, સિસ્‍ટમ, સિક્‍યુરિટી અને સપોર્ટ સ્‍ટાફ કેડરમાં પણ કેટલાય નવા પદો મંજૂર કર્યા છે. એટલે કે હવે જો ED કોઈના પર હાથ નાખશે, તો તેની પાસે કોર્ટમાં કેસ લડવા માટે વકીલોની ફોજ પણ મોટી હશે અને ડેટા ખંગાળવા માટે ડિજિટલ સિસ્‍ટમના માહિતગારો પણ વધારે હશે.

સરકારની આની પાછળ સાદી દલીલ છે. દેશમાં આર્થિક ગુનાઓનો ગ્રાફ અને ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા થતી ગેરરીતિઓના કેસ ઝડપથી વધ્‍યા છે. PMLA અને FEMA હેઠળ નોંધાતા કેસોની સંખ્‍યા સતત વધી રહી છે. સરકારનું કહેવું છે કે વધતા જતા કેસો અને તપાસના વ્‍યાપને જોતા EDની કાર્યક્ષમતાને મજબૂત કરવી અત્‍યંત જરૂરી બની ગઈ હતી. હવે જ્‍યારે મેનપાવર વધી ગયો છે, તો મની લોન્‍ડ્રિંગ અને ફેમા સાથે જોડાયેલા કેસોની તપાસમાં વધુ તેજી આવશે.

આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે ચ્‍ઝને લઈને દેશમાં એક મોટી ચર્ચા છેડાયેલી છે. વિપક્ષના તમામ નેતાઓ પછી તે કોંગ્રેસના હોય, આપના હોય, TMCના હોય કે RJDના, હંમેશા એવો આક્ષેપ કરતા આવ્‍યા છે કે, સરકાર કેન્‍દ્રીય એજન્‍સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરી રહી છે. વીણી-વીણીને વિપક્ષી નેતાઓના ઘરો પર રેડ પાડવામાં આવે છે, તેમને પરેશાન કરવામાં આવે છે, જેથી વિપક્ષને નબળો પાડી શકાય. આ આરોપોની ગરમાગરમી વચ્‍ચે સરકારે સ્‍પષ્ટ સંદેશ આપી દીધો છે કે એજન્‍સીઓ નબળી નહીં થાય, પરંતુ તેમને વધુ ધારદાર બનાવવામાં આવશે. રાજનીતિ પોતાની જગ્‍યાએ ચાલતી રહેશે, પરંતુ આર્થિક ગુનાઓ પર કાર્યવાહી હવે વધુ ઝડપી અને આક્રમક બનશે.

(10:03 AM IST)