<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

મેડિકલ સેક્ટરમાં મોદી સરકારનો મોટો કાયદાકીય સુધારો: નાની ભૂલો માટે હોસ્પિટલ-ડોક્ટરોને હવે જેલ નહીં, ફક્ત લાગશે 'વહીવટી દંડ'

કાયદાના કડક સકંજામાંથી ક્લિનિક્સને મુક્તિ: ''ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' (વ્યવસાય કરવાની સરળતા) વધારવા અને કોર્ટના ધક્કા ઘટાડવા' ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ફેરફાર, પરંતુ દર્દીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં

નવી દિલ્હી, તા. 25: દેશના હેલ્થકેર સેક્ટર (આરોગ્ય સંભાળ ક્ષેત્ર) માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) અધિનિયમ, 2010' માં એક ઐતિહાસિક અને મોટો સુધારો કર્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 2026 હેઠળ લાગુ કરાયેલા આ નવા સુધારા મુજબ, હવે હોસ્પિટલો, નાના ક્લિનિક્સ કે ડોક્ટરો દ્વારા થતી નાની-મોટી પ્રક્રિયાગત અથવા કાગળની ભૂલો માટે જેલની સજા ભોગવવી પડશે નહીં. સરકારે કાયદાની કડક જોગવાઈઓ હળવી કરીને આવી ભૂલો માટે ફક્ત વહીવટી દંડ (Administrative Penalty) વસૂલવાનો નિર્ણય કર્યો છે.

પાંચ મુખ્ય કલમો બદલાઈ, ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ કાયદાને વધુ વ્યવહારુ અને સરળ બનાવવા માટે તેની પાંચ મુખ્ય કલમો - 40, 41, 43, 44 અને 46 માં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. નવા નિયમો હેઠળ, કલમ 40, 43 અને 46 માંથી "દંડ" (શાસ્તી) શબ્દ હટાવીને તેના સ્થાને "વહીવટી દંડ" શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ એક તકનીકી ફેરફાર હોવા છતાં તેનો મોટો ફાયદો એ થશે કે હોસ્પિટલોની નાની ભૂલો હવે ફોજદારી ગુનો ગણાશે નહીં અને કોર્ટ કચેરીના ચક્કર કાપવાને બદલે વહીવટી સ્તરે જ દંડ ભરીને કેસનો ઉકેલ લાવી શકાશે.

જેવી ભૂલ, તેવો જ દંડ: નવી સિસ્ટમ થશે લાગુ

કાયદાની કલમ 44 માં કરાયેલા સુધારાથી હવે ઉલ્લંઘનની ગંભીરતાના આધારે દંડ નક્કી થશે. અગાઉ નાની કે મોટી ભૂલ માટે સમાન કડક કાર્યવાહી થતી હતી, પરંતુ હવે નાની માનવીય ભૂલો અને મોટા ગુનાઓ વચ્ચે સ્પષ્ટ તફાવત રેખા દોરવામાં આવી છે. આનાથી તબીબી સંસ્થાઓને કોઈપણ અન્યાયી કે અતિશય કઠોર કાર્યવાહીનો ભોગ બનવું નહીં પડે.

પારદર્શિતા વધશે: પક્ષ રાખવાની મળશે પૂરી તક

સમગ્ર પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે 'નિર્ણાયક સત્તામંડળ' (Adjudicating Authority) ની શક્તિઓમાં વધારો કરાયો છે. હવે કોઈપણ હોસ્પિટલ પર દંડ ફટકારતા પહેલાં તેમને પોતાની સફાઈ રજૂ કરવાની અને સ્પષ્ટતા આપવાની પૂરી તક અપાશે. જો કોઈ હોસ્પિટલ કે ક્લિનિક આ સત્તામંડળના નિર્ણયથી નારાજ હશે, તો તેમને ઉચ્ચ ફોરમમાં અપીલ કરવાનો કાનૂની અધિકાર પણ આપવામાં આવ્યો છે.

દર્દીઓની સુરક્ષા સર્વોપરી રહેશે

સરકારનું માનવું છે કે 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' (વ્યવસાય કરવાની સરળતા) અંતર્ગત લેવાયેલા આ નિર્ણયથી મેડિકલ ક્ષેત્રમાં ભયનું વાતાવરણ ઘટશે અને બિનજરૂરી મુકદ્દમાબાજીનો અંત આવશે. જો કે, આરોગ્ય મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકોને સ્પષ્ટ ખાતરી આપી છે કે આ છૂટછાટ માત્ર કાગળકામ અને પ્રક્રિયાગત નિયમો પૂરતી જ સીમિત છે. દર્દીઓની સારવારની ગુણવત્તા, તબીબી ધોરણોની કડકાઈ અને દર્દીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં.

(5:45 PM IST)