<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક: દેશના ૮૦ કરોડ લોકોને મળશે મોટો ફાયદો: રાશન વિતરણ વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફાર

પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને હાઇટેક બનાવવા ₹૨૫,૫૩૦ કરોડનું આંધણ: 'સાર્થક પીડીએસ યોજના' ને લીલી ઝંડી આપી: અનાજ ચોરી અને કાળાબજારિયાઓ પર લગામ કસવાની તૈયારી કરી

નવી દિલ્હી:  દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશખબર આપતો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દર મહિને મફત કે રાહત દરે રાશન મેળવતા દેશના ૮૦ કરોડ નાગરિકો માટે હવે અનાજ મેળવવું વધુ સરળ અને પારદર્શક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 'સાર્થક પીડીએસ યોજના' ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ સુધારાઓ માટે સરકારે ₹૨૫,૫૩૦ કરોડનું તોતિંગ બજેટ ફાળવ્યું છે, જે અંતર્ગત રાશન સિસ્ટમમાં રહેલી જૂની ખામીઓને ટેકનોલોજીની મદદથી હંમેશા માટે દૂર કરવામાં આવશે.

આ આખી યોજના હેઠળ મુખ્યત્વે ત્રણ ક્રાંતિકારી ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાંથી પહેલો ફેરફાર રાજ્ય સરકારોને પરિવહન ખર્ચમાં આર્થિક મદદ કરવાનો છે. કેન્દ્ર સરકાર હવે ગોદામોથી લઈને છેક રાશનની દુકાનો સુધી અનાજ પહોંચાડવાનો ખર્ચ ભોગવશે, જેથી ખાસ કરીને અંતરિયાળ અને ગામડાના વિસ્તારોમાં સમયસર અનાજનો પુરવઠો પહોંચાડી શકાય. આ સિવાય, વર્ષોથી પડતર એવી રાશન દુકાનદારો (ડીલરો) ની માંગણીઓનો સ્વીકાર કરીને તેમને ડિજિટલ સાધનો અને સુધારેલ સંગ્રહ ક્ષમતા સાથે આર્થિક સહાય અપાશે. આ પગલાથી રાશન વિતરણમાં થતી માનવીય ભૂલો અને અનિયમિતતાઓ પર મોટો અંકુશ આવશે અને દેશની વાજબી ભાવની દુકાનો વધુ સક્ષમ બનશે.

સૌથી મોટો અને મહત્વનો ત્રીજો સુધારો આખી સિસ્ટમનું સંપૂર્ણ આધુનિકીકરણ અને ઓટોમેશન કરવાનો છે. હવે રાશનના વિતરણમાં ડિજિટલ ટ્રેકિંગ, ઓનલાઈન મોનિટરિંગ અને સ્માર્ટ ઉપકરણોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી રાશનની ચોરી અને કાળાબજારી કરનારા માફિયાઓનો ખેલ ખતમ થઈ જશે. સરકારનો અંતિમ ઉદ્દેશ્ય 'વન નેશન, વન રેશન કાર્ડ' (એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ) ની વ્યવસ્થાને સો ટકા સચોટ અને અસરકારક બનાવવાનો છે, જેથી દેશના કોઈપણ ખૂણે રહેતો શ્રમિક કે નાગરિક પોતાના હકનું અનાજ બિલકુલ સહેલાઈથી મેળવી શકે. આ સુધારાઓ આગામી દિવસોમાં દેશના કરોડો પરિવારોના ખાદ્ય સુરક્ષાના અધિકારને વધુ મજબૂત બનાવશે તેમાં કોઈ બેમત નથી.

(6:21 PM IST)