<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ઉડ્ડયન ક્ષેત્રે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક: એરલાઇન્સ અને મુસાફરોને વૈશ્વિક કટોકટીમાંથી ઉગારવા ₹૧૦,૦૦૦ કરોડના ખાસ પેકેજની જાહેરાત

મધ્ય પૂર્વના મહાયુદ્ધ વચ્ચે માત્ર બે મહિનામાં જેટ ફ્યુઅલના ભાવ ૨.૫ ગણા વધતાં કેન્દ્ર સરકારે બનાવ્યું 'સ્થિરીકરણ ભંડોળ' : ઘરેલું ફ્લાઇટ્સ માટે ATF નો ભાવ ₹૭૫.૬ પ્રતિ લિટર પર લોક કરી હવાઈ મુસાફરી સસ્તી રાખી

નવી દિલ્હી:  પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓએ જ્યારે વૈશ્વિક ઉર્જા બજારને હચમચાવી દીધું છે, ત્યારે મોદી સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક ઓક્સિજન આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એરલાઇન્સ અને સામાન્ય મુસાફરોના રક્ષણ માટે ₹૧૦,૦૦૦ કરોડના 'જેટ ફ્યુઅલ ભાવ સ્થિરીકરણ ભંડોળ' ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વ્યૂહાત્મક નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના આકાશ આંબતા ભાવોને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ જે માર્ચ ૨૦૨૬ માં ₹૬૦.૫ પ્રતિ લિટર હતા, તે મે ૨૦૨૬ માં અકલ્પનીય રીતે વધીને ₹૧૪૨ પ્રતિ લિટર પર પહોંચી ગયા હતા. માત્ર બે મહિનામાં થયેલા આ ૨.૫ ગણા તોતિંગ વધારાથી આખું ઉડ્ડયન ક્ષેત્ર આર્થિક વેન્ટિલેટર પર આવી ગયું હતું.

એરલાઇન્સ કંપનીઓના કુલ ઓપરેટિંગ ખર્ચમાં એકલું ઇંધણ જ આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવતું હોવાથી આ કટોકટીમાં ઘણી કંપનીઓએ પોતાની ફ્લાઇટ્સ કાપી નાખી હતી અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને પણ મોટું નુકસાન થઈ રહ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને ડામવા માટે સરકારે હવે એક લોખંડી મર્યાદા નક્કી કરી દીધી છે કે ઘરેલું ફ્લાઇટ્સ માટે ઉડ્ડયન ઇંધણની કિંમત કોઈપણ સંજોગોમાં ₹૭૫.૬ પ્રતિ લિટરથી વધુ વસૂલી શકાશે નહીં. જો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો આ મર્યાદાથી ઉપર જશે, તો સરકાર આ ₹૧૦,૦૦૦ કરોડના વિશેષ ભંડોળમાંથી તે નુકસાનની ભરપાઈ કરીને તેલ કંપનીઓ અને એરલાઇન્સ પર વધારાનો આર્થિક બોજ આવવા દેશે નહીં.

સરકારના આ અભૂતપૂર્વ રક્ષણાત્મક પગલાથી દેશના સામાન્ય હવાઈ મુસાફરોને સૌથી મોટી રાહત મળી છે, કારણ કે હવે વૈશ્વિક કટોકટી હોવા છતાં એરલાઇન્સ મનસ્વી રીતે હવાઈ ભાડામાં ઝીંકાઝીંક વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત, આર્થિક ભીંસના કારણે ફ્લાઇટ્સ રદ થવાનું કે ખોરવાઈ જવાનું જોખમ પણ સંપૂર્ણપણે ટળી ગયું છે, જેથી સંચાલન એકદમ સ્મૂધ રહેશે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને યુદ્ધના આ કપરા સમયમાં પણ કેન્દ્ર સરકારનું આ ચોક્કસ આયોજન ભારતીય એવિએશન સેક્ટરને એક અદભુત સ્થિરતા અને વૈશ્વિક બજાર સામે લડવાની મજબૂત શક્તિ પ્રદાન કરશે.

(7:19 PM IST)