<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

મોદી સરકારનો ગ્રામીણ ભારત માટે ક્રાંતિકારી રોડમેપ: દેશભરમાં લોન્ચ થયો 'VB-G RAM G' કાયદો, હવે વર્ષમાં ૧૨૫ દિવસની રોજગારી અને ₹૩૧૨ મિનિમમ દૈનિક વેતનની ગેરંટી!

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિથી કર્યો ઐતિહાસિક યોજનાનો પ્રારંભ; આગામી ૫ વર્ષમાં ₹૭.૫૦ લાખ કરોડ ખર્ચાશે, માંગ કર્યાના ૧૫ દિવસમાં કામ નહીં મળે તો મળશે બેરોજગારી ભથ્થું!

તિરુપતિ, તા.૦૨: ભારતના ગ્રામીણ વિસ્તારોનો કાયાકલ્પ કરવા, ગરીબ મજૂરોને આર્થિક સુરક્ષા આપવા અને 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત ઐતિહાસિક અને મોટું પગલું ભર્યું છે. દેશના ગામડાઓમાં રોજગાર અને આજીવિકાની ગેરંટી સુનિશ્ચિત કરતા મહત્વાકાંક્ષી 'વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે [VB-G RAM G] અધિનિયમ, ૨૦૨૫ નો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે મળીને તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લે ગામ ખાતેથી આ ક્રાંતિકારી યોજના દેશને સમર્પિત કરી છે.
હવે ૧૨૫ દિવસની રોજગારી: કોઈ ગરીબ હાથ બેરોજગાર નહીં રહે
આ પ્રસંગે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભાવુક થઈને જણાવ્યું કે, "આ યોજના પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્ય હેતુ એ છે કે દેશનો કોઈ પણ ગરીબ મજૂર બેરોજગાર ન રહે અને દરેક હાથને સન્માનજનક કામ મળે." તેમણે પીએમ મોદીનો આભાર માનતા જાહેરાત કરી કે, આ નવી યોજના હેઠળ અગાઉની રોજગાર યોજનાઓ કરતા મોટો સુધારો કરીને વર્ષમાં મળનારા કામના દિવસો ૧૦૦ થી વધારીને ૧૨૫ દિવસ કરી દેવામાં આવ્યા છે.
અબજો રૂપિયાનું ફંડ અને વેતનમાં બમ્પર વધારો
સરકારે આ યોજનાને સફળ બનાવવા માટે નાણાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી કે ચાલુ વર્ષે કેન્દ્ર સરકારે આ યોજના માટે ₹૯૫,૬૦૦ કરોડની ફાળવણી કરી છે. રાજ્યોના હિસ્સાને ઉમેરતા ચાલુ વર્ષનો કુલ ખર્ચ ₹૧,૫૧,૨૮૨ કરોડ જેટલો વિશાળ થશે, જે ગ્રામીણ મજૂરો માટે રોજગારીની સુનામી લાવશે. મજૂરોના હિતમાં મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે હવેથી દેશના કોઈ પણ ખૂણામાં શ્રમિકને દૈનિક ₹૩૦૦ થી ઓછું વેતન નહીં મળે, અને હાલમાં લઘુત્તમ વેતન ₹૩૧૨ પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે.
પંચાયતો બનશે પાવરફુલ: નિયમોમાં કરાયા કડક ફેરફાર
આગામી ૫ વર્ષમાં આ યોજના પાછળ અંદાજે ₹૭.૫૦ લાખ કરોડનો માતબર ખર્ચ કરાશે, જેનાથી દેશની દરેક ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે વાર્ષિક સરેરાશ ₹૨ કરોડથી વધુનું ભંડોળ મળશે. સૌથી મહત્વની વાત એ છે કે, મજૂર દ્વારા કામની માંગણી કર્યાના ૧૫ દિવસની અંદર જ સરકારે રોજગારી પૂરી પાડવી પડશે, જો વહીવટીતંત્ર આમ કરવામાં નિષ્ફળ જશે તો મજૂરને ઘરબેઠા બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે! વળી, જો વેતન ચૂકવવામાં વિલંબ થશે તો મજૂરોને વળતર પણ મળશે. યોજનાના અમલીકરણ માટે ક્ષેત્ર સ્તરના કર્મચારીઓ અને ગ્રામ રોજગાર સહાયકોના સમયસર પગાર માટે વહીવટી ખર્ચ પણ ૬% થી વધારીને ૯% કરાયો છે.
ખેડૂતો, આવાસ અને આંધ્રપ્રદેશ માટે જાહેરાતોનો વરસાદ
કેન્દ્રીય મંત્રીએ આ મંચ પરથી આંધ્રપ્રદેશ માટે ભેટની વણઝાર લગાવી દીધી હતી. આગામી ૯ મહિનામાં આંધ્રપ્રદેશને કેન્દ્ર તરફથી ₹૭,૭૦૭ કરોડ મળશે, જે રાજ્યના હિસ્સા સાથે મળીને ₹૧૦,૦૦૦ કરોડથી વધુ થશે. આ ઉપરાંત:
•    પીએમ આવાસ યોજના: આંધ્રપ્રદેશ માટે ૭૦,૦૦૦ થી વધુ પાકા ઘરો મંજૂર કરાયા.
•    ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ₹૪૨૨ કરોડના ખર્ચે ૧૪૬ ગ્રામીણ રસ્તાઓ અને ૧૯ પુલના નિર્માણની મંજૂરી.
•    તોતાપુરી કેરીના ખેડૂતો માટે મોટી રાહત: માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ હેઠળ ૨,૧૬,૨૫૦ મેટ્રિક ટન તોતાપુરી કેરીની ખરીદી કરાશે. તેમજ ICAR ના વૈજ્ઞાનિકો કેરીની જાતો સુધારવા રાજ્ય સરકાર સાથે મળીને કલમ ટેકનોલોજી પર કામ કરશે.
આ હાઈ-પ્રોફાઈલ લોન્ચિંગ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કોનિડેલા પવન કલ્યાણ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, કમલેશ પાસવાન સહિત અનેક દિગ્ગજ નેતાઓ અને હજારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના આગામી દિવસોમાં ભારતના ગ્રામીણ અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે તેમાં કોઈ શંકા નથી.

(5:26 PM IST)