<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં ‘મોદી મેજિક’ : જે ઝારગ્રામમાં પીએમ મોદીએ ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો ત્યાં ભાજપે ગઢ તોડ્યો, ટીએમસીના સૂપડા સાફ

ઝારગ્રામ પટ્ટાની તમામ ચાર બેઠકો પર ભાજપની મજબૂત લીડ : વડાપ્રધાનની સાદગી અને લોકસંપર્કની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે દેખાઈ : શરૂઆતના વલણોમાં ભાજપે બહુમતી તરફ કદમ લંબાવ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે ત્યારે આખા દેશની નજર જે બેઠક પર હતી તે ઝારગ્રામમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 19 એપ્રિલે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકની જેમ રસ્તા પર ઉભા રહીને જે વિસ્તારમાં 'ઝાલમુડી'ની જ્યાફત માણી હતી, તે ઝારગ્રામ પટ્ટામાં મતદારોએ પરિવર્તનના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. ચૂંટણી પંચના તાજા વલણો મુજબ, ભાજપે આ વિસ્તારની ચારેય બેઠકો પર લીડ મેળવીને મમતા બેનર્જીના ગઢને ધરાશાયી કરી દીધો છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીનો એ જનસંપર્ક અને સ્થાનિકો સાથે સીધો સંવાદ ભાજપ માટે ગેમચેન્જર સાબિત થયો છે. શરૂઆતના તબક્કે કાંટે કી ટક્કર માનવામાં આવતી હતી, પરંતુ જેમ-જેમ રાઉન્ડ ખુલતા ગયા તેમ ઝારગ્રામ પટ્ટામાં ભાજપનું વર્ચસ્વ વધતું ગયું. ટીએમસી જે બેઠકોને પોતાનો સુરક્ષિત ગઠ માનતી હતી, ત્યાં જ અત્યારે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમગ્ર બંગાળની વાત કરીએ તો, સત્તાધારી પક્ષ અને ભાજપ વચ્ચે એક-એક સીટ માટે સંઘર્ષ ચાલુ છે. જોકે, ઝારગ્રામના વલણો ભાજપ માટે રાજ્ય સ્તરે મોટી જીતનો માર્ગ મોકળો કરી શકે છે. ટીએમસીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે, પરંતુ 'ઝાલમુડી' પટ્ટામાં થયેલો આ ચમત્કાર ભાજપના 'પરિવર્તન'ના સંકલ્પને વેગ આપી રહ્યો છે. સાંજ સુધીમાં જ્યારે અંતિમ પરિણામો આવશે, ત્યારે એ સ્પષ્ટ થઈ જશે કે બંગાળમાં 'મોદી મેજિક' ચાલ્યું છે કે દીદીએ ફરી વાપસી કરી છે.

 

(12:30 PM IST)