<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

એમ.એસ. યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં 'મોદી તત્ત્વ' મોડ્યુલનો સમાવેશ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ ફિલોસોફી હવે વિદ્યાર્થીઓ ભણશે

'સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ' પેપર હેઠળ આરએસએસ અને ઐતિહાસિક વિભૂતિઓની સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો અભ્યાસ કરાવાશે : ડિજિટલ ઇન્ડિયા અને નોટબંધી જેવી નીતિઓનું સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી વિશ્લેષણ થશે

વડોદરા:ગુજરાતની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક અત્યંત મહત્વનો અને દેશનો પ્રથમ કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા બીએ (BA) અને એમએ (MA) ના અભ્યાસક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને તેમના દર્શન પર આધારિત 'મોદી તત્ત્વ' નામના ખાસ મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોડ્યુલ 'સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ' એટલે કે 'દેશભક્તિનું સમાજશાસ્ત્ર' વિષયના ભાગરૂપે ભણાવવામાં આવશે.

 

કરિશ્માઈ નેતૃત્વના સિદ્ધાંત પર અભ્યાસ:

સમાજશાસ્ત્ર વિભાગના વડા વીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ અભ્યાસક્રમમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને પ્રખ્યાત સમાજશાસ્ત્રી મેક્સ વેબરના 'કરિશ્માઈ સત્તા' (Charismatic Authority) ના સિદ્ધાંત સાથે જોડીને તપાસવામાં આવશે. અગાઉ આ સિદ્ધાંત મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવી હસ્તીઓના સંદર્ભમાં ભણાવવામાં આવતો હતો. વીરેન્દ્ર સિંહે ઉમેર્યું કે રાજકીય ક્ષેત્રમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ લાંબા સમય સુધી રહેવાનું છે, તેથી શૈક્ષણિક માળખામાં તેમની ચર્ચા કરવી અનિવાર્ય છે.

 

વિવિધ સરકારી નીતિઓનું વિશ્લેષણ:

આ અભ્યાસક્રમમાં માત્ર નેતૃત્વ જ નહીં, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સરકારની મહત્વની નીતિઓ અને તેની સામાજિક અસરોનો પણ અભ્યાસ કરાશે. જેમાં નોટબંધી, ડિજિટલ પહેલ, ફાસ્ટેગ (FASTag) અને જલ શક્તિ મંત્રાલયની સ્થાપના જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ નીતિઓને જનતાનો પ્રતિસાદ અને તેનાથી વહીવટી પરિણામો શું આવ્યા તે અંગે વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે.

 

RSS અને ઐતિહાસિક મહાપુરુષોનું સ્થાન:

'મોદી તત્ત્વ' ની સાથે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ભૂમિકા વિશે પણ ભણશે. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ અને વડોદરાના પ્રગતિશીલ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જીવન અને કાર્યોનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે. નોંધનીય છે કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જ ડૉ. બી.આર. આંબેડકરના ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય કરી હતી.

 

અભ્યાસક્રમનું માળખું:

આ નવો વિષય બીએના ચોથા વર્ષ અને એમએના સ્તરે ઓફર કરવામાં આવશે. આ પેપર કુલ ચાર ક્રેડિટનું રહેશે અને તેમાં કુલ ૬૦ કલાકનું શિક્ષણ આપવામાં આવશે. અભ્યાસક્રમની રચનામાં 'નીતિ આયોગ' ના પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા ફિલ્ડવર્કનો પણ આધાર લેવામાં આવ્યો છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં સંઘ સાથે જોડાયેલા લોકોની ભૂમિકાના અવલોકનો નોંધાયા હતા. આ મોડ્યુલ દ્વારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને ભૌગોલિક રાષ્ટ્રવાદ જેવા વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવશે.

(12:21 AM IST)