<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

મેલોનીને મોદીની ‘‘મીઠી'' ગીફટ

મેલોડી ઇતની ચોકલેટી કયું હૈ? મેલોડી ખાઓ ખુદ જાન જાઓ : બંને નેતાઓની કેમિસ્‍ટ્રીએ ઈન્‍ટરનેટ પર મચાવી ધૂમઃ પાર્લેની મેલોડી ચોકલેટનો વીડિયો શેર કરીને મેલોનીએ માન્‍યો આભાર

 

રોમ, તા.૨૦:  વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ઇટાલીના પીએમ જ્‍યોર્જિયા મેલોની વચ્‍ચેની રાજદ્વારી કેમેસ્‍ટ્રી ફરી એકવાર વૈશ્વિક સ્‍તરે ચર્ચાનું કેન્‍દ્ર બની છે. પાંચ દેશોના પ્રવાસના અંતિમ ચરણે જ્‍યારે પીએમ મોદી ઇટાલી પહોંચ્‍યા, ત્‍યારે તેમણે મેલોનીને ભારતની પ્રખ્‍યાત ‘મેલોડી'ચોકલેટનું પેકેટ ભેટમાં આપીને સૌને આશ્‍ચર્યચકિત કરી દીધા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ઈન્‍ટરનેટ પર ગાજતા #Melodi હેશટેગને જીવંત રાખવા માટે મોદીએ આ ‘સ્‍વીટ' કુનેહ વાપરી હતી, જેણે બંને નેતાઓ વચ્‍ચેની ઉષ્‍માભરી મિત્રતા અને ભારત-ઇટાલી વચ્‍ચેના મજબૂત સંબંધોની નવી ઝલક દુનિયા સમક્ષ મૂકી છે.

આ અનોખી ભેટ મેળવ્‍યા બાદ જ્‍યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પીએમ મોદી તેમને ચોકલેટ અર્પણ કરતા જોવા મળે છે. મેલોનીએ આ હેશટેગ પ્રત્‍યેનો તેમનો લગાવ દર્શાવતા પીએમ મોદીનો આભાર માન્‍યો અને લખ્‍યું, ‘ભેટ બદલ આભાર.' આ વીડિયો પોસ્‍ટ થતાની સાથે જ મિનિટોમાં વાયરલ થઈ ગયો હતો. નેટીઝન્‍સ પણ હવે આ મજાકિયા અને મીઠા અંદાજને વધાવી રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર મેલોડી ચોકલેટ અને #Melodi ટ્રેન્‍ડ ફરીથી ટોચ પર પહોંચી ગયા છે.

માત્ર સોશિયલ મીડિયા પૂરતી જ નહીં, પણ આ મુલાકાત વ્‍યૂહાત્‍મક રીતે પણ અત્‍યંત મહત્‍વની રહી છે. ચોકલેટની મીઠાશ વચ્‍ચે બંને નેતાઓએ સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર જેવા જટિલ મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ કરી હતી. પીએમ મોદીનો આ પ્રવાસ ભારતની સોફ્‌ટ પાવર ડિપ્‍લોમેસીનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયો છે, જ્‍યાં ગંભીર રાજકીય સંબંધોને પણ માનવીય લાગણીઓ અને હળવાશથી વધુ ગાઢ બનાવી શકાય છે. ભારતીય બ્રાન્‍ડ ‘પાર્લે'ની આ ચોકલેટ હવે આંતરરાષ્‍ટ્રીય સંબંધોમાં મિત્રતાનું નવું પ્રતીક બની ગઈ છે.

(2:45 PM IST)