<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મમ્‍મી, તને મારી યાદ નથી આવતી દીકરી પાસે ફોન કરાવી પત્‍નીને ઘરે બોલાવીઃ બર્થડેના બે દિવસ પહેલાં જ પતિએ કરી નાખી હત્‍યા

બાગપતના ખૈલા ગામમાં આઠ વર્ષ જૂના પ્રેમ લગ્નનો દર્દનાક અંત આવ્‍યો

બાગપત તા.૨૩: ક્‍યારેક સાથે જીવવા-મરવાના સોગંદ ખાધા, પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા, બે બાળકોના માતા-પિતા બન્‍યા અને ભવિષ્‍યના સપના જોયા, પરંતુ આઠ વર્ષ જૂના આ જ સંબંધનો અંત એવો ખૌફનાક રીતે થયો કે લોકો ચોંકી ગયા. બાગપતના ચાંદીનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ખૈલા ગામમાં સામે આવેલી આ ઘટનાએ એક પરિવારને વેરવિખેર કરી દીધો છે. જે મહિલાની હત્‍યા તેના પતિએ કરી તેનો જન્‍મદિવસ બે દિવસ પછી જ આવવાનો હતો. પરિવારનો દાવો છે કે તે બાળકો સાથે જન્‍મદિવસ મનાવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ જન્‍મદિવસ પહેલા જ તેની જિંદગી ખતમ થઈ ગઈ.

મૃતક મનીષા ઠાકુર છેલ્‍લા કેટલાક સમયથી પોતાના પુત્ર સાથે બેંગલુરુમાં રહેતી હતી. પરિવારના લોકોનો આરોપ છે કે ઘટના પહેલા તેની માસૂમ દીકરી અનન્‍યા દ્વારા તેને ફોન કરાવવામાં આવ્‍યો હતો. એવું કહેવાય છે કે ફોન પર દીકરીએ માતાને કહ્યું, મમ્‍મી, તમને મારી યાદ નથી આવતી કે શું? મળવા આવી જાઓ.ૅ દીકરીનો અવાજ સાંભળીને મનીષા ભાવુક થઈ ગઈ અને બેંગલુરુથી બાગપત આવવાનો નિર્ણય કરી લીધો. તેને ખબર નહોતી કે જે ઘરમાં તે પોતાની દીકરીને મળવા જઈ રહી છે, ત્‍યાં તેના માટે એક ખતરનાક કાવતરું રાહ જોઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, રાહુલ ભાટી અને મનીષા ઠાકુરની મુલાકાત આશરે આઠ વર્ષ પહેલા હરિદ્વારમાં થઈ હતી. મુલાકાત દોસ્‍તીમાં બદલાઈ અને પછી બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી બંનેએ સાથે મળીને નવું જીવન શરૂ કર્યું. થોડા સમય સુધી બંને બાગપતના ખૈલા ગામમાં રહ્યા. બાદમાં રોજીરોટીની શોધમાં દિલ્‍હી ચાલ્‍યા ગયા હતા. પરિવાર વધ્‍યો અને તેમને બે બાળકો થયા, પુત્ર કવિશ અને પુત્રી અનન્‍યા. પરિવારના સભ્‍યોના જણાવ્‍યા અનુસાર શરૂઆતના વર્ષોમાં બધું સામાન્‍ય હતું, પરંતુ ધીમે-ધીમે સંબંધોમાં તણાવ વધવા લાગ્‍યો.

સમયની સાથે પરિસ્‍થિતિઓ બદલાઈ ગઈ. મનીષા પુત્રને લઈને બેંગલુરુ ચાલી ગઈ, જ્‍યારે દીકરી ગામમાં દાદી પાસે રહેવા લાગી. રાહુલ પણ રોજગારના કારણે હરિદ્વારમાં રહેવા લાગ્‍યો. અહીંથી જ બંને વચ્‍ચે અંતર વધવા લાગ્‍યું હતું. પરિવારના લોકોનું કહેવું છે કે, રાહુલને શંકા હતી કે બેંગલુરુમાં રહેવા દરમિયાન મનીષા કોઈ અન્‍ય વ્‍યક્‍તિના સંપર્કમાં છે. આ જ બાબતને લઈને બંને વચ્‍ચે અવારનવાર વિવાદ થતો હતો. જોકે આ અંગે પોલીસ તરફથી કોઈ સ્‍વતંત્ર પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ પરિવારનો દાવો છે કે આ જ શંકા ધીમે-ધીમે સંબંધને એવા વળાંક પર લઈ ગઈ જ્‍યાંથી પાછા ફરવું શક્‍ય નહોતું.

મૃતકની બહેન શિવાની ઠાકુરે ગંભીર આરોપો લગાવ્‍યા છે. તેમનું કહેવું છે કે હત્‍યા કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ તેની પહેલાથી જ તૈયારી કરવામાં આવી હતી. પરિવારના જણાવ્‍યા અનુસાર આરોપીએ પહેલા મનીષાને ગામડે બોલાવવાની યોજના બનાવી હતી. દીકરી દ્વારા ફોન કરાવવામાં આવ્‍યો હતો. આ પછી જ્‍યારે મનીષા ગામ પહોંચી ત્‍યારે બંને વચ્‍ચે વિવાદ થયો હતો. આરોપ છે કે વિવાદ દરમિયાન રાહુલે તેના પર હુમલો કરી દીધો હતો. પરિવારનો દાવો છે કે હુમલા માટે પહેલાથી જ એક ખાસ હથિયાર તૈયાર કરવામાં આવ્‍યું હતું. પરિજનોના જણાવ્‍યા અનુસાર ૨૪ જૂને મનીષાનો જન્‍મદિવસ હતો. તે બાળકો સાથે સમય વિતાવવા માગતી હતી. પરિવારના કેટલાક લોકોએ જણાવ્‍યું કે, તે જન્‍મદિવસ મનાવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ જન્‍મદિવસ પહેલા જ તેના મોતના સમાચાર પરિવાર સુધી પહોંચી ગયા હતા. શિવાની ઠાકુરનું કહેવું છે કે તેમને ફોન દ્વારા ઘટનાની માહિતી મળી હતી. જ્‍યારે પરિવારના લોકો ઘટનાસ્‍થળે પહોંચ્‍યા, ત્‍યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્‍યું હતું.

ઘટના બાદ પોલીસને સૂચના પણ આરોપી તરફથી જ આપવામાં આવી હતી. સૂચના મળ્‍યા બાદ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને લાશને કબજામાં લઈને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાસ્‍થળેથી મળેલા પુરાવાઓને પણ કબજામાં લેવામાં આવ્‍યા છે. પોલીસ આખા ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના કયા સંજોગોમાં બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર મામલામાં હત્‍યા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્‍યો છે. પ્રેસ નોટ જાહેર કરીને પોલીસે જણાવ્‍યું કે, આરોપી સામે ભારતીય ન્‍યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલુ છે અને પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ સહિત અન્‍ય પુરાવાઓના આધારે આગળની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

(1:39 PM IST)