તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મમ્મી, માફ કરજો! મનહૂસ...મનહૂસ... સાંભળી થાકી ગઈ છું, આ લોકોની માનસિકતા ક્યારેય નહીં બદલે
વીડિયો બનાવી સૃષ્ટિએ ફાંસો ખાધોઃ પતિ, સાસુ અને નણંદ સામે ગુનો : વીડિયો ૯૦ સેકન્ડનો છે. વીડિયોમાં તેણીને ડૂસકાં ભરતી અને રડતી જોઈ શકાય છેઃ વીડિયોમાં સૃષ્ટિ એટલા ડૂસકાં ભરી રહી છે કે રેકોર્ડિગ શરૂ કર્યાંની ૩૫ સેકન્ડ પછી પ્રથમ શબ્દ બોલી શકે છેઃ વીડિયોમાં સૃષ્ટિ ખૂબ પરેશાન લાગી રહી છે

દેહરાદૂન, ઉત્તરાખંડ,તા.૧: મમ્મી, માફ કરજો. બહુ ખરાબ થઈ ગયું. હું આવી રીતે જઈ રહી છું. છ મહિનાથી સહન કરું છું. હવે વધુ સહન કરવાની શક્તિ નથી. બધા મને સતત મનહૂસ મનહૂસ કહી રહ્યા છે. આ લોકોની માનસિકતા ક્યારેય બદલી શકાય તેમ નથી. આ શબ્દો દહેરાદૂનની સૃષ્ટિ કંડારીના છે. સૃષ્ટિએ એક વીડિયોમાં પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ આક્ષેપ લગાવી આપઘાત કરી લીધો છે. સૃષ્ટિની માતાના આક્ષેપ પ્રમાણે તેની દીકરીને લગ્ન બાદથી દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતી હતી. લગ્નના ફક્ત આઠ મહિનામાં જ સૃષ્ટિએ મોતને વ્હાલું કરી લીધું છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બનાવ્યા બાદ સૃષ્ટિએ કથિત રીતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે સૃષ્ટિના પતિ, સાસુ અને નણંદ સામે ગુનો દાખલ કર્યો છે.
સૃષ્ટિ કંડારી સરકારી શિક્ષિકા તરીકે કામ કરી રહી હતી. દહેરાદૂનના હર્રાવાલા સ્થિત દિલ્હી ફાર્મમાં બુધવારે શંકાસ્પદ હાલતમાં સૃષ્ટિ મૃત હાલતમાં મળી આવી છે. સૃષ્ટિ શ્રીનગર (ગઢવાલ) સ્થિત સરકારી શિક્ષિકા તરીકે કાર્યરત હતી. સૃષ્ટિના લગ્ન વર્ષ ૨૦૨૫માં ઉત્તરાખંડ સચિવાલયમાં ખાનગી સચિવ પદે કાર્યરત સૌરભ રતુરી સાથે થયા હતા. લગ્નના ફક્ત આઠ મહિનામાં સૃષ્ટિએ સાસરિયાઓના ત્રાસથી જિદગીનો અંત લાવી દીધો છે.
આપઘાત પહેલા સૃષ્ટિએ એક વીડિયો બનાવ્યો છે, જે આશરે ૯૦ સેકન્ડનો છે. વીડિયોમાં તેણીને ડૂસકાં ભરતી અને રડતી જોઈ શકાય છે. વીડિયોમાં સૃષ્ટિ એટલા ડૂસકાં ભરી રહી છે કે રેકોર્ડિગ શરૂ કર્યાંની ૩૫ સેકન્ડ પછી પ્રથમ શબ્દ બોલી શકે છે. વીડિયોમાં સૃષ્ટિ ખૂબ પરેશાન લાગી રહી છે. વીડિયોમાં તેણી પોતાની માતાને સંદેશ આપી રહી છે કે તેણીને સાસરિયા તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો છે. વીડિયો પ્રમાણે સૃષ્ટિ છેલ્લા છ મહિનાથી ત્રાસ સહન કરી રહી છે. વીડિયોમાં સૃષ્ટિ એવું પણ જણાવી રહી છે કે આ લોકો તેણીને મનહૂસ કહ્યા કરે છે. વીડિયોમાં સૃષ્ટિને એવું કહેતા પણ સાંભળી શકાય છે કે આ લોકોની માનસિકતા ક્યારેય નહીં બદલાય.
પોલીસના જણાવ્યા પ્રમાણે દહેરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં સૃષ્ટિના મોતનો કોલ મળ્યો હતો. લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મૃતકની માતા સીમા કંડારીએ સૃષ્ટિના મોતને હત્યા ગણાવતા સાસરિયા પક્ષ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
સીમાના જણાવ્યા પ્રમાણે લગ્ન બાદ દહેજની માંગણીને લઈને સૃષ્ટિને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવી રહી હતી. સૃષ્ટિને તેનો પતિ સૌરભ રતુરી, સાસુ પરવીના દેવી અને નણંદ ચારુ સતત અપમાનિત કરતા હતા. ત્યાં સુધી કે તેણીને મનહૂસ (અપશુકનિયાળ, અમંગળ) કહીને પ્રતાડિત કરતા હતા. પોલીસે હાલ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પતિએ સૌથી પહેલા જોઈ સૃષ્ટિની લાશ
પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૬ જુલાઈના રોજ સૃષ્ટિના સસરાનું નિધન થયું હતું. આથી તેણી સાસરીમાં ગઈ હતી. સૃષ્ટિના પતિના જણાવ્યા પ્રમાણે ૨૯ જુલાઈના રોજ સૃષ્ટિ બીજા માળે આવેલા રૂમમાં ગઈ હતી. થોડા સમય પછી તેણી ફાંસીએ લટકી ગઈ હતી. પતિએ તેણીની લાશને નીચે ઉતારીને સીપીઆર આપ્યું હતું. હાલતમાં સુધારો ન થતાં તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
